Site icon Revoi.in

સુરતમાં 6000 જેટલાં વાહનો ટેક્સ ડિફોલ્ટર, હવે આરટીઓ દ્વારા આકરા પગલાં લેવાશે

Social Share

સુરત:  શહેરના આરટીઓમાં 6000 જેટલા માલવાહક અને કોમર્શિયલ વાહનો ટેક્સ ડિફોલ્ટર થયા છે. જે વાહનોનો ટેક્સ બાકી છે તે તમામ વાહન માલિકોને માર્ચ મહિના બાદ નોટિસો મોકલી આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ જે વાહન માલિકો RTOમાં વાહનનો ટેક્સ નથી ભરતા તેમની કોઈપણ મિલકતો હોય જમીન કે મકાન તેના પર હવે બોજો નાખવાની કામગીરી પણ RTO દ્વારા હાથ ધરવામાં આવશે. બાકી વસુલાત માટે મિલ્કતો પણ ટાંચમાં લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત આરટીઓનો ટેક્સ ન ભરનારા 6000 વાહન માલિકોને નોટિસ ફટકારવા છતાંયે બાકી ટેક્સ ભરતા નથી. જે ટેક્સ ડિફોલ્ટરો છે તેમને ટેક્સ ભરવા માટે ફરીવાર પણ નોટિસ આપવામાં આવશે. 3 વખત RTO દ્વારા આ ટેક્સ ડિફોલ્ટરોને નોટિસ આપવામાં આવશે. છતાં પણ ટેક્સ ડિફોલ્ટરો પોતાના વાહનનો બાકી ટેક્સ સુરત RTOમાં નહીં ભરે તો આવા ટેક્સ ડિફોલ્ટરોની મિલકત પણ ટાંચમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે પણ આ મિલકતો વેચવાની થાય અથવા તો કંઈક ફેરબદલ કરવાનું થાય તો સૌપ્રથમ RTOમાં બાકી રહેલો ટેક્સ ભરવો પડશે અને ત્યાર બાદ જ વાહન માલિક મિલકત વેચી શકશે અથવા તો ફેરબદલ કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  જે વાહનો ટેક્સ ડિફોલ્ટર થાય તે તમામ વાહનોની યાદી મહિનાના અંતે RTO ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે. જેથી કરીને આ ટેક્સ ડિફોલ્ટર વાહન જો રસ્તા પર પકડાઈ તો તેને RTOમાં રાખવામાં આવે છે અને વાહન માલિક દ્વારા ટેક્સની રકમ RTOને ભરપાઈ કર્યા બાદ જ તેનું વાહન છોડવામાં આવે છે. આ ઉપરાંત એક વર્ષ કરતાં વધુ જે વાહનો પર ટેક્સ બાકી છે, તેવા વાહનનો સામે બ્લેક લિસ્ટની કામગીરી પણ કરવામાં આવે છે. આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. જેથી કરી જ્યારે આ વાહનને વેચાણ કરવાનું હોય અથવા તો અન્ય કોઈ તેમાં ફેરબદલ કરવાનું હોય તો તેની મંજૂરી RTOમાં લેવી પડે છે. RTOમાં જ્યારે વાહન માલિક મંજૂરી લેવા આવે છે. ત્યારે સૌ પ્રથમ તેને વાહનનો બાકી રહેલો જે ટેક્સ હોય છે તે ભરવો પડશે અને ત્યારબાદ જ તે આગળની પ્રક્રિયા કરી શકે છે.

સુરત આરટીઓ દ્વારા 6000 જેટલા વાહનો ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ 6000 વાહનોમાં 4000 ગુડ્સ વાહન, 1400 જેટલા JCB સહિતના કન્ટ્રક્શન વાહનોને ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 700થી 800 ટેક્સી કે મેક્સી જેવા અન્ય વાહનોને ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.