Site icon Revoi.in

લખતરમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડુતોને નુકશાન

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામાં  નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલમાં ભાસ્કરપરા પાસે કેનાલ પર ગેટ મુકેલ છે. સ્થાનિકોને જાણ કર્યા વગર નર્મદા કેનાલનો ગેટ ખોલી નખાતા કેનાલ છલકાઇ હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા હજારો વીઘા જમીન તથા અમદાવાદ-સુરેન્દ્રનગર હાઇવે પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં ઊભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વળી હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લખતર તાલુકામાં ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલ છલકાતાં પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા હતા. અને ખેડુતોના પાકને નુકશાન થયુ હતુ. નર્મદાના કેનાલના પાણી હાઈવે પર પણ ફરી વળ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કોની બેદરકારીથી ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યોછે. મહામૂલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ખેડૂતોને કોણ વળતર આપશે.  સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીઓના કારણે તેમણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડુતોને જાણ કર્યા વિના ગેટ કેમ ખોલી નાખવામાં આવ્યો. શું જે તે ગેટ ખોલી નાખનારા અધિકારીને એટલી જાણ નહીં હોય કે આગોતરા આયોજન વિના ગેટ ખોલી નાખતા કેનાલ છલકાઈ જશે અને પાણી ખેતરોમાં અને હાઈવે પર ફરી વળશે ? હાલ તો કેનાલનો ગેટ કોણે ખોલી નાખ્યો તેના વિશે તંત્રના કોઈ અધિકારી કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.