- નાસા ફરીથી અર્ટેમિસ 1 લોન્ચ કરવાની તૈયારીમાં
- ટેકનિકલ ખામીઓને કારણે બે વાર લોન્ચિંગ થયું ફેલ
- 23 સપ્ટેમ્બરે વધુ એક પ્રયાસ
દિલ્હી:બીજા નિષ્ફળ પ્રયાસના લગભગ એક અઠવાડિયા પછી નાસા ફરીથી અર્ટેમિસ 1 ના લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે.નાસાએ માહિતી આપી છે કે ટેકનિકલ ખામીને કારણે બે વાર લોન્ચિંગ ફેલ થઈ ગયા બાદ હવે નાસા 23 સપ્ટેમ્બર પછી ફરીથી આ યાનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.અગાઉ તેનું લોન્ચિંગ 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું પરંતુ તેની ઇંધણ ટાંકીમાં લીકેજને કારણે લોન્ચ રદ કરવામાં આવ્યું હતું.અમેરિકી અંતરિક્ષ એજન્સીએ કહ્યું છે કે, જેવી જ ઈંધણની ટાંકીનું સમારકામ થઈ જશે, અમે તેને ફરીથી લોન્ચ કરવાની તૈયારી કરીશું.
નાસાએ એક બ્લોગમાં લખ્યું છે કે, ‘વૈજ્ઞાનિકોની ટીમ નવી સીલને ક્રાયોજેનિક અથવા સુપરકૂલ્ડ સ્થિતિમાં તપાસશે.આ તપાસ 17 સપ્ટેમ્બર પહેલા નહીં થાય.સ્પષ્ટ છે કે આ વખતે નાસા કોઈપણ પ્રકારની ક્ષતિના મૂડમાં નથી.આ વખતે તે દરેક વિગતો પર ધ્યાન આપી રહ્યા છે.
ગયા અઠવાડિયે, હાઇડ્રોજન ઇંધણની ટાંકીમાં લીકેજ દેખાતા હોવાથી લોંચ વારંવાર અટકી ગયું હતું.નાસાએ કહ્યું કે,23 સપ્ટેમ્બરે અમને 2 કલાકની લોન્ચ વિન્ડો મળવા જઈ રહી છે.નાસા તેને ભારતીય સમય અનુસાર સાંજે 4:17 વાગ્યે ફરીથી લોન્ચ કરશે.નાસાના બ્લોગ અનુસાર, જો લોન્ચિંગ સફળ રહેશે, તો અર્ટેમિસ 1 અવકાશમાં 42 દિવસની સફર પૂર્ણ કર્યા પછી આવશે. જેમાં આ યાન 60 હજાર કિમીનું અંતર કાપશે અને ચંદ્ર પર જઈને પરત ફરશે.
જો આ લોન્ચિંગ પણ કોઈ કારણોસર નિષ્ફળ જાય છે, તો લોન્ચિંગ તારીખ 27 સપ્ટેમ્બર હોઈ શકે છે. પરંતુ આ દરમિયાન નાસા સામે એક શરત રહેશે. નાસાના જણાવ્યા અનુસાર આ દિવસે લોન્ચ વિન્ડો ખુલ્યા બાદ તેને 70 મિનિટની અંદર લોન્ચ કરવાનું રહેશે. વાસ્તવમાં લોન્ચિંગ વિન્ડો ભ્રમણકક્ષાની ગતિશીલતા અને ચંદ્રના આધારે પૃથ્વીની સ્થિતિ નક્કી કરે છે.