અમદાવાદ:ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેનું ઉદ્દઘાટન બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરોના ઉત્તર ગુજરાત ઝોનના અધિકારી જે.ડી. ચૌધરી અને સૌરાષ્ટ્ર ઝોનનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી તેમજ જિલ્લાના અન્ય અધિકારી-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદએ દિપ પ્રાગટ્ય દ્વારા આ લોકસંપર્ક કાર્યક્રમને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો.
સાંસદ પરબતભાઇ પટેલે અંબાજીના આ લોકસાંસ્કૃતિક, શક્તિ, ભક્તિ અને આસ્થાના મેળામાં આયોજીત લોકસંપર્ક કાર્યક્રમને બિરદાવતાં જણાવ્યું કે લોકો માટે બનતી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે જરુરી છે અને એ માટે આવા આયોજન મહત્વના સાબિત થાય છે. વધુમાં તેમણે કહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર જન-જનના વિકાસ થકી રાષ્ટ્રના વિકાસ માટે કટિબધ્ધ છે. આપણા વડાપ્રધાન દેશના પ્રત્યેક નાગરિકની સુખાકારી માટે નીતનવી યોજનાઓનું અમલીકરણ કરાવી રહ્યાં છે સાથે જ વિભિન્ન અભિયાનો થકી રાષ્ટ્રને ઉન્નત શિખરો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે ત્યારે આપણે સૌ કોઇએ વિવિધ અભિયાનોમાં સહયોગ આપવો જોઈએ. વધુમાં સાંસદએ જણાવ્યું કે, કુપોષણ સામેના જંગ ને જીતવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને માટે જ પોષણ અભિયાન થકી જન જન માં જાગૃતતા લાવવાના પ્રયાસો પણ હાથ ધરાઈ રહ્યા છે.
કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરનાં અધિકારી જે.ડી. ચૌધરીએ કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે અંબાજીના મેળામાં કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે પોષણ અભિયાનમાં જન ભાગીદારી વધારવાનો પણ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે જ લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તે માટે અહીં વિશાળ પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી સચોટ માહિતી સાથે માર્ગદર્શન પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાશે.
કેન્દ્રીય સંચાર બ્યુરોના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે જનજન સુધી જાણકારી એજ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે સરકારના વિવિધ અભિયાન જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જલ સંરક્ષણ અભિયાનમાં લોક જાગરુતતા લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે. જે માટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ એ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ રહેશે.
આ વિશેષ કાર્યક્રમના પ્રથમ દિવસે પોષણ અભિયાન અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં જાગરુતતા સંદેશ આપતા મનોરંજક નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓને સાંસદના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. મહત્વનું છે કે અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે મેદાનમાં આયોજિત આ પ્રદર્શન તારીખઃ06 થી 09 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે.