અમદાવાદઃ વિશ્વભરમાં 21 જુનના દિનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સીટીનાં અનુસ્નાતક ભવનો અને સંલગ્ન કોલેજોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. આ સૂર્ય નમસ્કારનાં કાર્યક્રમમાં 50થી વધુ અનુસ્નાતક ભવનો, કેન્દ્રો અને 300 જેટલી કોલેજોના એક લાખથી વધુ વિધાર્થીઓ સહિત શૈક્ષણિક અને વહીવટીય સ્ટાફ જોડાયા હતા.
ગુજરાતભરમાં આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે, જેના ભાગરૂપે શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં શનિવારે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાત યુનિવર્સિટી કચેરી ખાતે પણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ, કાર્યકારી પરીક્ષા નિયામક, મદદનીશ કુલસચિવ, નાયબ કુલસચિવ સેક્શન ઓફિસર, કા. ગ્રંથપાલ, વિકાસ અધિકારીશ, એસ્ટેટ ઈજનેર, હેડક્લાર્ક, એકાઉન્ટ ઓફીસર, એકાઉન્ટન્ટ, સિનિયર ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક, સેવકભાઈઓ સહિતનાં તમામ વહીવટીય કર્મચારીઓ અને અધિકારીઓએ કાર્યક્રમમાં જોડાઈ સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ ઉપરાંત યુનિ.સંલગ્ન તમામ કોલેજોમાં પણ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા હતા.
ગુજરાતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગા દિને તમામ શહેરોમાં યોગાના કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોગાનું મેગા આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ યોગાદિને અનેક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. આંતરરાષ્ટ્રીય યોગા દિનને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે જાહેર કાર્યક્રમો યોજવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શનિવારે સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.