Site icon Revoi.in

ભારતીય સંસ્કૃતિ અનુસાર નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે, સવારે હવન-પૂજા યોજાશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે. સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત અનેક મંત્રીઓ હાજર રહેશે. આ પછી સવારે 8.30 થી 9 વાગ્યાની વચ્ચે લોકસભાની અંદર સેંગોલ લગાવવામાં આવશે. સવારે 9.30 કલાકે પ્રાર્થના સભા થશે, આ પ્રાર્થના સભામાં શંકરાચાર્યજી સહિત અનેક મહાન વિદ્વાનો, પંડિતો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ સિવાય આદિ શિવજી અને આદિ શંકરાચાર્યજીની પૂજા કરવાની પણ સંભાવના છે.

તા. 28મી મેના રોજ સવારે પૂજા અને હવન બાદ બપોરે 12 વાગ્યાથી બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ થશે. બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવશે. આ પ્રસંગે બે શોર્ટ ફિલ્મનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. આ પછી રાજ્યસભાના ઉપસભાપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન કરવામાં આવશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને તેની સાથે તેઓ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એવું માનવામાં આવે છે કે બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ સમાપ્ત થશે. આ ઐતિહાસિક પર્વનો હિસ્સો બનવા માટે કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીના હસ્તે નવા સંસદભવનના ઉદઘાટન પ્રસંગ્રે કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યાં છે.