અમેરિકાની ટ્રમ્પ સરકારે વીઝાના નિયમોમાં ફેરફાર કરીને નિયમોનું લાંબું લિસ્ટ જાહેર કર્યું છે. નવા નિયમો પ્રમાણે, હવે વીઝા મેળવવા માંગતા લોકોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટનું નામ અને છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ પણ આપવો પડશે. નિયમ પ્રમાણે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તમે આપેલા સોશિયલ મીડિયા અકાઉન્ટની ગમે ત્યારે તપાસ કરી શકે છે. વીઝા અરજકર્તાને તેના જીવન અને તેના શરીરમાં છેલ્લા 15 વર્ષોમાં આવેલા ફેરફારો વિશે પણ પૂછવામાં આવી શકે છે.
અમેરિકન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે અમે અમારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કર્યા છે. કડક રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે કે દેશમાં આવનારા દરેક નાગરિક વિશે પાકી ઓળખાણ અને તેના વિશે પાકી માહિતી મેળવવામાં આવે. એજ્યુકેશન સાથે સંકળાયેલા ઓફિસરો અને એકેડેમિક ગ્રુપ્સે નવા નિયમોનો વિરોધ કર્યો છે.
જાણો નવા નિયમ મુજબ વીઝા માટે શું છે જરૂરી
- 5 વર્ષનો સોશિયલ મીડિયા રેકોર્ડ
- જૂના પાસપોર્ટ્સનો નંબર અને વિગતો
- ઇ-મેઇલ એડ્રેસ, ફોન નંબર જેમનો 5 વર્ષમાં ઉપયોગ કર્યો હોય
- 15 વર્ષની બાયોલોજિકલ ઇન્ફોર્મેશન એટલે કે ક્યાં-ક્યાં રહ્યા, ક્યાં ભણ્યા અને નોકરી કરી, કેટલી જગ્યાઓએ પ્રવાસ કર્યો વગેરે.
આ પહેલા અમેરિકન વિદેશ વિભાગે કહ્યું હતુ કે ફક્ત તે જ લોકો પાસેથી આ જાણકારી લેવામાં આવશે, જેમને આતંકવાદ અથવા અન્ય રાષ્ટ્રીય ખતરાઓને જોતા શંકાસ્પદ માનવામાં આવશે. જોકે, આ હવે તમામ લોકો માટે લાગુ કરી દેવામાં આવ્યું છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના માર્ચ 2018માં પ્રસ્તાવિત નિયમને ઘણા વિરોધ પછી હવે મંજૂરી મળી છે. એડમિનિસ્ટ્રેશન પ્રમાણે, અરજકર્તાનો સોશિયલ મીડિયા રેકોર્ડ જ હવે બતાવશે કે તેનું ઇમિગ્રેશન થઈ શકશે કે નહીં. ગયા વર્ષે અમેરિકન વીઝા માટે દુનિયાભરમાંથી 1.47 કરોડ અરજીઓ આવી હતી.