કોલ્ડવેવની આગાહી: આવતા સોમવારથી પારો વધારે ગગડવાની સંભાવના
અમદાવાદ: ઉત્તર ભારતમાં તો ઠંડીનો ચમકારો હાલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં આવેલા રાજ્યો અને ત્યાંના શહેરોમાં નોંધપાત્ર રીતે ગરમીનું તાપમાન ઓછુ થયુ છે અને ઠંડીની ચપેટમાં આવ્યું છે. આવા સમયમાં ડિસેમ્બર મહિનો પૂર્ણ થવાને આડે માંડ એકાદ સપ્તાહ બાકી છે અને છેલ્લા ચાર દિવસોમાં ઠંડી જોર બતાવશે અને કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની આગાહી વેધરના જાણકારોએ કરી છે.
જાણકારના અનુસાર હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ કેટલાંક દિવસોથી સામાન્ય ઠંડી પડે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્રના રાજકોમાં રાજકોટનું ન્યુનતમ તાપમાન આજે 12.5 હતું જયારે નોર્મલ તાપમાન 14 ગણાય છે અને અમદાવાદનું તાપમાન નોર્મલ 13 ડીગ્રી સામે 11.8 નોંધવામાં આવ્યું છે.
જાણકારોએ 25થી 31 ડીસેમ્બરના સમયગાળાની આગાહી કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તારીખ 25થી 27ના ત્રણ દિવસ દરમિયાન પ્રવર્તમાન માહોલ-યથાવત રહેશે.અર્થાત અત્યાર જેવી સામાન્ય ઠંડી જ રહેવાની શકયતા છે. પરંતુ ડિસેમ્બર 28થી ઠંડી પોતાનું જોર બતાવશે અને ચમકારો થવા લાગશે. 28થી 31 ડીસેમ્બર દરમિયાન તાપમાનનો પારો ગગડીને સીંગલ ડીજીટમાં આવી જશે અને શિયાળાની પ્રથમ કોલ્ડવેવ હાલત સર્જાશે.
ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો નીચે સરકીને 8 ડીગ્રી કે અમુક સેન્ટરોમાં તેનાથી પણ નીચે ઉતરી જવાની શકયતા છે.ઠંડીની સાથે પવન પણ વધશે એટલે કાતિલ ઠારનો અનુભવ પણ શકય છે. અશોકભાઈ પટેલે કહ્યું હતું કે તા.26 ડીસેમ્બર આસપાસ ઉતર ભારતમાં નવુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ સર્જાવાની શકયતા છે અને તેના પ્રભાવ હેઠળ ઉતરીય રાજયોમાં વરસાદ તથા પર્વતીય ભાગોમાં હિમવર્ષા પણ થવાની સંભાવના છે.