- ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢમાં થયો વિરોધ,
- ખાંભામાં ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર,
- તલાલામાં સર્વ સમાજના ખેડુતોનું સંમેલન યોજાયું
અમદાવાદઃ કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થતા આ જિલ્લાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. અમરેલીના ખાંભામાં ખેડૂતો અને સરપંચોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માગ કરી છે. તેમજ તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને જંગલ ખાતાના હજુરીયા બનાવતો ઈકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા છેલ્લા શ્વાસ સુધી લડત આપવાનો નિર્ધાર કર્યો છે. તાલાલા તાલુકાને સંપૂર્ણ ઈકો સેન્સિટિવ ઝોનથી મુક્ત કરવા માધુપુર ગીર ગામે લેઉવા પટેલ સમાજમાં યોજાયેલા ખેડૂત હિત રક્ષક સમિતિ આયોજીત મહા સંમેલનમાં ઉપસ્થિત તાલાલા તાલુકાનાં વિવિધ ગામના સર્વ સમાજના ખેડૂતો તથા અગ્રણીઓએ એક સુરે માંગણી કરી હતી.
અમરેલીના ખાંભા વિસ્તારના ખેડૂતો અને સરપંચોએ મામલતદાર કચેરી પર ઈકો સેન્સિટિવ ઝોન હટાવવાની માગ કરી હતી. ખેડૂતોએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં રહેતા લોકો સિંહપ્રેમી છે. અહીંના લોકોએ ક્યારેય સિંહને નુકસાન પહોંચાડ્યું નથી. જો આ વિસ્તારમાં ઈકો સેન્સિટવ ઝોન દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ખેતી કરવી મુશ્કેલ બનશે. ખેડૂતો નાની નાની બાબતોમાં વનવિભાગની મંજૂરીઓ મેળવવી પડશે. જ્યારે ઈકો ઝોનના કાયદાના વિરોધમાં માધુપુર ગીર ગામે સર્વ સમાજનું બિન રાજકીય મહાસંમેલન યોજાયું હતું. તાલાલા પંથકને સંપૂર્ણ ઈકો સેન્સિટિવ ઝોનથી મુક્ત કરવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરતા વિવિધ વક્તાઓએ જણાવ્યું હતું કે તાલાલા પંથકમાં વિનાશકારી ઈકો ઝોન વનવિભાગના પાપે લગાડવાની નોબત આવી છે.
ગીરના જંગલમાં 239 નાના મોટાં નેસડા હતાં જેમાં હજારો માલધારી, પશુપાલકો વસવાટ કરતા હતા. વનવિભાગે તમાંમ નેસડા ખાલી કરાવતા સિંહોનો ખોરાક છીનવાઈ ગયો પરિણામે માલધારી અને પશુપાલકોની સાથે સાથે ખોરાકની શોધમાં સિંહોએ પણ જંગલ છોડી દીધું. આજે ખોરાકની શોધમાં સિંહો માનવવસ્તીમાં વસવાટ કરવા લાગ્યા છે. તાલાલા પંથકની પ્રજા સિંહો અને પર્યાવરણ પ્રેમી છે.તાલાલા પંથકના ખેડૂતો 16 લાખ આંબાના વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરે છે. કિસાનોના કેરીના બગીચામાં સિંહો પડાવ નાખી રહેઠાણ બનાવે છે અને કિંમતી દુધાળા પશુઓના મારણ કરે છે જે વનવિભાગના રેકર્ડ ઉપર છે છતાં પણ સિંહ પ્રેમી ખેડૂતો જંગલી જાનવરોનું જતન કરે છે. તાલાલા પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોન વગર પણ સિંહો અને પર્યાવરણનું જતન જંગલખાતાથી વધું ખેડૂતો કરે છે ત્યારે આ વિસ્તારમાં ઈકો ઝોન લગાડવાની જરૂર જ નથી.