Site icon Revoi.in

વરસાદ ખેંચાતા ખેડૂતોની ખરીફપાકને બચાવવા મથામણ, વીજ માગમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન સારોએવો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. રાજ્યમાં સરેરાશ 82 ટકા જેટલો વરસાદ પડ્યો છે. શરૂઆતના સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. હવે પાકને પાણી આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે બોર-કૂવામાંથી ઈલે.મોટર દ્વારા સિંચાઈ કરીને પાકને પાણી પીવડાવી રહ્યા છે. તેના લીધે વીજળીના વપરાશમાં વધારો થયો છે.

સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત સારી રહ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ અદ્રશ્ય થઇ ગયો હોવાથી ગરમીએ જોર પકડ્યું છે. શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ ઉત્તરોતર વધતું જાય છે જેના કારણે વીજળીના વપરાશમાં વધારો થયો છે. વરસાદ નહીં પડતાં ગરમીને કારણે વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઇ મહિનામાં સૌથી ઓછો વીજ વપરાશ રહ્યો હતો પરંતુ  ઓગસ્ટમાં વરસાદે હાથ તાળી આપતા વીજ વપરાશમાં ઉત્તરોતર વધારો થયો છે.

ગાંધીનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન સૌથી વધારે વીજ માંગ જોવા મળતી હોય છે. ચાલુ વર્ષે ગત ઉનાળા દરમિયાન સૌથી વધુ 79 મેગાવોટની વીજ માંગ 9મી જૂનના રોજ રહી હતી. તે પછી વરસાદની સિઝન શરૂ થતા ધીમે ધીમે વીજળીનો વપરાશ ઘટ્યો હતો તે મુજબ વીજ માંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. ચોમાસા દરમિયાન 27 જુલાઇના રોજ સૌથી ઓછી 45 મેગાવોટની વીજમાંગ રહી હતી. આમ 6 જૂનથી 27 જુલાઇ દરમિયાનના 51 દિવસમાં વીજ માંગમાં 34 મેગાવોટનો ધરખમ ઘટાડો થયો હતો. 27 જુલાઇ બાદ એક મહિનામાં જ વરસાદ ખેંચાવાને કારણે વીજમાંગમાં 15 મેગાવોટનો વધારો થઇ ગયો છે. હજુ પણ ગરમી પડતી હોવાથી વીજ વપરાશમાં ઉત્તરોતર વધારો થવાની શક્યતા જોવાઇ રહી છે.