ધોરાજીમાં નિયમિત પાણી નહીં મળતુ હોવાથી મહિલાઓ પાલિકાની કચેરીએ હંગામો મચાવ્યો
અમદાવાદઃ ગુજરાતના ઉનાળાના આરંભ સાથે જ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળો ઉપર પાણીની પોકાર ઉઠવા લાગી છે. દરમિયાન ધોરાજીમાં પાણી નિયમિત મળતું નહીં હોવાથી રણચંડી બનેલી મહિલાઓએ પાલિકાની ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. બીજી તરફ મહિલાઓના ગુસ્સાને જોઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને બચવા પ્રયાસો કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી નગરના વોર્ડ-5માં છેલ્લા પાંચેક દિવસથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત નિયમિત કચરો પણ ઉઠાવવામાં નહીં આવતો હોવાથી સમગ્ર વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે. પાલિકા તંત્રની આ બેદરકારીને કારણે મહિલાઓમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ મહિલાઓએ પાલિકા કચેરીને બાનમાં લીધી હતી.
ધોરાજી વોર્ડ નંબર પાંચમાંથી મહિલાઓએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો હતો. નગરપાલિકાના કેટલાક અધિકારીઓ મહિલાઓને જોતા જ છૂમંતર થઈ ગયા હતા.આ સાથે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સમસ્યા હલ નહી થાય તો મહિલાઓ નગરપાલિકામાં જ કચરો ઠાલવશે. નગરપાલિકાની કચેરીમાં કાર્યરત કર્મચારીઓને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.