- ગુજરાતની વિધાનસભાની ચૂંટણી
- હાર્દિક પટેલ ફરીવાર ચર્ચામાં
- કોંગ્રેસને હાથ મુકીને આપનો સાથ આપી શકે છે હાર્દિક: સૂત્ર
ગાંધીનગર :ગુજરાતમાં ભાજપ સરકારને હરાવવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ ફેક્ટરનો જોરદાર ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો, હવે ફરીવાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની પાર્ટી આપ પાર્ટીમાં જોડાઈ શકે છે.
સૂત્રો દ્વારા તે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસમાં રહીને હાર્દિક પટેલને જે ન મળ્યું તે આપ પાર્ટી તેને આપી શકે છે. હાર્દિક પટેલ અને આપના ટોચના નેતાઓ વચ્ચે વાતચીત થયાની શક્યતા પણ સેવાઇ રહી છે. કોંગ્રેસમાં ધાર્યું સ્થાન ન મેળવી શકનાર હાર્દિકને આપમાં મહત્વની ભુમિકા મળવાની પણ સંભાવનાઓ દેખાઇ રહી છે.
પંજાબ અને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ હાલ કોંગ્રેસમાં પણ હતાશાનું વાતાવરણ છે. ત્યારે નવા ઉત્સાહ સાથે હાર્દિક આપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી હાર્દિક, કોંગ્રેસમાં હાંસિયામાં છે. તેમના કદ પ્રમાણેનું સ્થાન અને મોભો હાર્દિકને કોંગ્રેસમાં મળ્યો નથી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે તે આમ આદમી પાર્ટીમાંથી મોટો પાટીદાર ચહેરા તરીકે ઉભરી શકે છે.
આમ, 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીમાં મોટા ફેરફારની શક્યતાઓ જોવાઇ રહી છે. 2022ની ચૂંટણીમાં હાર્દિક ગુજરાતમાં આપનો ચહેરો બને તેવી રણનીતિ હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. આમ આદમી પાર્ટીને પણ મોટો પાટીદાર ચહેરો મળે તેવો વ્યૂહ હોવાનું સુત્રો જણાવે છે. જો કે હાર્દિક પટેલ તરફથી આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજકીય વર્તુળોમાં હાર્દિક પટેલ લઇને ચર્ચા તેજ બની છે.