અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ 10 અને 12ની પરીક્ષા માર્ચના અંત પહેલા લગભગ પૂર્ણ થઈ જશે. ત્યારે 30 માર્ચથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ થઈ જશે. ધો.10 અને ધો.12માં મળી કુલ 68 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરાશે મૂલ્યાંકન કામગીરી સમયસર શરૂ કરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જેથી વિદ્યાર્થીઓના પરિણામ નિયત સમયે જાહેર કરી શકાશે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યમાં 363 કેન્દ્ર નિયત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ હવે અંતિમ તબક્કામાં છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં જોતરાશે. જેના માટેના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે. જોકે શિક્ષકો ઉત્તરવહી ચકાસણી માટે દૂર-દૂર સુધીના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવતા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. જે બાબતે શિક્ષકો દ્વારા તેમના સંઘના પ્રતિનિધિઓને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. જે સંદર્ભે હવે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા બોર્ડના સત્તાધિશોને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ કરવામાં આવેલી ધો.10 અને 12ની પરીક્ષાઓ હવે અંતિમ તબક્કામાં છે અને 29 માર્ચના રોજ બોર્ડની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. હાલમાં ધો.10 અને ધો.12 સાયન્સની પરીક્ષામાં મહત્વના કહી શકાય તેવા પેપરો પૂર્ણ થયા છે. જેથી આ બંનેમાં વહેલા મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી બોર્ડની તમામ પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી 30 માર્ચથી બોર્ડ દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ધો.10ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે સમગ્ર રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર 28 હજાર શિક્ષક દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરી દેવામાં આવ્યા છે અને શિક્ષકને પણ મૂલ્યાંકન કામગીરી માટેના ઓર્ડર ઈશ્યૂ કરી દેવાયા છે. જેથી બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાંની સાથે જ તમામ મૂલ્યાંકન કેન્દ્ર પર એક સાથે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે ધો.12 સાયન્સમાં સમગ્ર રાજ્યના 56 કેન્દ્ર પરથી 10 હજાર શિક્ષક દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાશે. ઉપરાંત ધો.12 સામાન્ય પ્રવાહ માટે પણ રાજ્યમાં 144 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. આ મૂલ્યાંકન કેન્દ્ર પર 30 હજાર શિક્ષક દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. આમ, સમગ્ર રાજ્યમાં ધો.10 અને 12ના મળી કુલ 363 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર 68 હજાર શિક્ષક દ્વારા ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવશે.