Site icon Revoi.in

પબ્લિક યુનિવર્સિટી એકટનો અમલ થતાં જ ગુજરાત યુનિ.ની દીવાલો પર બ્લેક ડેના સૂત્રો લખાયાં

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી એક્ટનો કાયદો ઘડાયા બાદ તેને રાજ્યપાલે પણ મંજુરી આપી દેતા 9મી ઓક્ટોબરથી રાજ્યની 11 યુનિવર્સિટીઓમાં નવા કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. આ કાયદા સામે અધ્યાપક મંડળ અને વિદ્યાર્થીઓના જુદા જુદા સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે કાયદાના અમલ શરૂ થતાં તેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની દીવાલો પર કોમન યુનિ.એક્ટ બ્લેક ડેના સૂત્રો લખાયા હતા.

ગુજરાત વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બીલ 2023 મૂકવામાં આવ્યુ હતું. જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવા એકટનો અમલ તા. 9મી ઓક્ટોબરથી 11 યુનિવર્સિટીઓમાં અમલી બની ગયો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા  9મી ઓક્ટોબરને દિવસને કાળા દિવસ તરીકે ઉજવીને યુનિવર્સિટીની દીવાલ પર બ્લેક ડેના લખાણો લખવામાં આવ્યા હતાં.

NSUI દ્વારા સોમવારે પબ્લિક યુનિવર્સિટી એકટનો વિરોધ કરવામાં આવ્યો હતો. સોમવારે કાયદાના અમલના પ્રથમ દિવસે જ એકટનો વિરોધ કરીને કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. અગાઉ પણ આ એક્ટ લાગુ ન કરવા NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે પબ્લિક યુનિવર્સિટી એકટ આવવાથી વિદ્યાર્થી સંગઠનનું અસ્તિત્વ પૂરૂ થઈ ગયુ છે. આ નવા એક્ટમાં વિદ્યાર્થી સંગઠનનો કોઈ ઉલ્લેખ નથી, જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિવારણ કેવી રીતે આવશે તે સવાલ છે. આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે.એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોલેજના અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસરો, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩ ટકા મહિલા સભ્યોની જોગવાઈ કરાઈ છે. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.નવા અભ્યાસક્રમો, સંસાધન અને સંસોધનને વેગ મળશે.