Site icon Revoi.in

ગીર વિસ્તારમાં શેરડીના પાકની આવક શરૂ થતા જ ગોળનાં રાબડાં ધમધમવા લાગ્યાં

Social Share

વેરાવળઃ  સોરઠ પંથકની જમીન ફળદ્રુપ ગણાય છે. કપાસ,મગફળી ઉપરાંત ખેડુતો શેરડીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. શેરડીનો નવો પાક નીકળવા લાગતા ગીર વિસ્તારમાં ગોળના રાબડાં શરૂ થઈ ગયા છે. રાબડાં શરૂ થતા જંગલ વિસ્તારમાં શેરડી ભરીને જતા વાહનો અને તૈયાર ગોળના ડબાની હેરફેર જોવા મળી રહી છે. આ વર્ષે સીઝન 15-20 દિવસ મોડી શરૂ થઈ છે, શેરડીનું ઉત્પાદન સંતોષકારક છે એટલે ગોળ વધુ બનશે અને ભાવ પણ જળવાઇ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં સુરત વિસ્તારમાં શેરડી મોટા પ્રમાણાં વાવેતર થાય છે. અને શેરડીમાંથી ગોળ બનાવવાના રાબડાં ઠેર ઠેર જોવા મળતા હોય છે. બન્ને પંથકમાં કુલ મળીને 750-800 જેટલા રાબડાં સીઝનમાં ધમધમે છે. ભારે વરસાદને લીધે શેરડી સારી પાકી છે અને રિકવરી રેટ પણ ઉંચો છે એટલે ગોળ ખૂબ બને તેમ છે. હાલ ગીર વિસ્તારમાં  50-60 રાબડાં શરૂ થયાં છે પણ દસેક દિવસમાં બધા જ રાબડાં ચાલુ થઇ જશે. શેરડીનો ભાવ એક ક્વિન્ટલે રૂ. 1800-2000 જેટલો ખૂલ્યો છે. એ ગયા વર્ષ જેટલો છે એટલે ઉત્પાદકો ઉપર વધારાનો બોજ આવવાનો નથી. ગોળનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું થાય એમ લાગે છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સીઝન મોડી છે અને ત્યાં ભાવ ઉંચા ખૂલ્યા છે એટલે ત્યાંના ગોળ સૌરાષ્ટ્રમાં ઓછી માત્રામાં આવે તેવું જણાય છે એ જોતા સ્ટોકિસ્ટોને ફાયદો મળે તેમ છે.
નવા ગોળનો ભાવ સૌરાષ્ટ્રમાં એક કિલોએ જથ્થાબંધમાં રૂ. 35 ટોપ ક્વોલિટીમાં ખૂલ્યો છે. નબળા માલમાં રૂ. 27માં વેપાર થાય છે. ગોળના વેપારીઓના કહેવા મુજબ આવક વધે ત્યારે ટોપ ક્વોલિટીનો ભાવ રૂ. 31-32 સુધી જશે જ્યારે મધ્યમમાં રૂ. 25.50-26 થઇ શકે છે. જૂના કોલ્ડના ગોળનો ભાવ રૂ. 26-27 પ્રતિ કિલો છે. કોલ્ડ સ્ટોરેજોમાં હજુ સાડા પાંચથી છ લાખ ડબા ગોળ પડ્યો હોવાની ધારણા છે. ગયા વર્ષમાં સ્ટોકિસ્ટોએ કોલ્ડમાં ગોળ ભરીને વ્યાપક નુક્સાની કરી હતી પણ નવી સીઝન કમાણી કરાવશે તેવી આશા બંધાઇ છે.