રાજ્યસભાની મુદત પુરી થતાં જ નારણ રાઠવાએ પૂત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે બે-ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. વિપક્ષ છોડીને નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે રાજ્યસભાની મુદત પુરી થતાં જ છોટા ઉદેપુરના કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી નારણ રાઠવાએ પોતાના પૂત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરીને કેસરિયો ધારણ કર્યો છે. નારણ રાઠવાએ કોંગ્રેસના પ્રમુખને પોતાનું રાજીનામું આપ્યા બાદ તરતજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના હસ્તે કેસરી ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રસના રાહુલ ગાંધી જ્યારે ભારત જોડા ન્યાય યાત્રા લઈને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે જ કોંગ્રેસના આદિવાસી નેતા ભાજપમાં જોડાયા છે.
લોકસભા ચૂંટણીની ચૂંટણી નજીક છે. ત્યારે જ ભાજપમાં જોડાવવા માટે નેતાઓ અને કાર્યકરોની હોડ જામી છે. ભાજપ કોંગ્રેસયુક્ત બનતુ જાય છે. કોંગ્રેસના એક પછી એક નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે મંગળવારે આદિવાસી કોંગ્રેસી નેતા નારણ રાઠવાએ પોતાના પૂત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. જેમાં મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.. પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એકસાથે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલે પણ પ્રદેશ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.
નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે. નારણ રાઠવા 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને વી.પી. સીંગ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા. ત્યારબાદ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસીંગ રાઠવા સામે તેઓની હાર થઈ હતી. 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. 2009 અને 2014માં તેઓની રામસીંગ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ 2018માં મળ્યો હતો અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.