- નવેમ્બર-ડિસેમ્બરમાં ધૂમ લગ્નો હાવાથી ફુલોના ભાવમાં ઘટાડોની શક્યતા નથી,
- ફુલોમાં ગુલાબ અને ગલગોટાની સૌથી વધુ માંગ,
- ફુલ બજારમાં માલની આવક કરતા માંગ વધુ
અમદાવાદઃ ગુજરાતભરમાં હાળ લગ્નસરાની સીઝન ચાલી રહી છે, તેના લીધે ફુલોની માગમાં વધારો થતાં ફુલોના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં હાલ ધોળકાથી લઈને ખેડા અને છેક બનાસકાંઠાથી પણ ફુલોની આવક થઈ રહી છે. પણ જમાલપુર ફુલ બજારમાં ફુલોની આવક કરતા માગ વધુ હોવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગરમાં પણ ફુલોની ડિમાન્ડ વધતા ભાવમાં વધારો થયો છે.
દેવ-દિવાળી યાને તુલસી-વિવાહની ઉજવણી સાથે જ ભાવનગર જિલ્લામાં શરૂ થયેલી લગ્નસરાની સીઝનના આરંભની સાથે જ ફૂલોના ભાવ આસમાન પહોંચ્યા છે. રાજયમાં હજુ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં તેમજ આગામી ડિસેમ્બર મહિના દરમિયાન ધૂમ લગ્નસરા જામવાની હોય આ દિવસોમાં પણ ફૂલના ભાવ ઉંચા રહેશે તેમ સ્થાનિક ફૂલબજારના વેપારીઓનું માનવું છે.
ભાવનગરમાં નવેમ્બરના અંતિમ પખવાડીયામાં લગ્નસરાની સીઝનના પ્રારંભની સાથે જ ગુલાબ તેમજ ગલગોટા સહિતના ફૂલના ભાવમાં વધારો થયો છે. આ અગાઉ પ્રકાશના મહાપર્વ દિપોત્સવીના તહેવારો દરમિયાન ફૂલની ડિમાન્ડ એકાએક વધી ગઈ હતી. દેવદિવાળીના તહેવાર બાદ થોડા દિવસ ફૂલની ઘરાગી થોડી ઘટી ગઈ હતી.દરમિયાન તાજેતરમાં લગ્નસરાની સીઝન ફરી શરૂ થતાની સાથે જ ગલગોટા અને ગુલાબ સહિતના ફૂલોની ડિમાન્ડ વધી છે. સામાન્ય રીતે દર વર્ષે લગ્નગાળાની સીઝન દરમિયાન ગુલાબ અને ગલગોટાની ડિમાન્ડ વધી જતી હોય છે. ઘણા સ્થળોએ આ સીઝનનો ગેરલાભ લેવા માટે કેટલાક વિક્રેતાઓ ગલગોટાની અછત છે તેમ કહીને પણ ઉંચા ભાવ વસુલવાનું ચૂકતા નથી. લગ્ન મોટે ફૂલના સાદાથી લઈને ડેકોરેટીવ ફૂલહારની કિંમતમાં પણ 15 થી 20 ટકાનો વધારો ઝીંકાયો છે. તેમ છતાં જે તે ગ્રાહકને સમયસર ફૂલ મળી ન શકતા રઝળપાટ કરવાનો વખત આવ્યો છે.
ભાવનગરના ફુલોના વેપારીના કહેવા મુજબ બરોડા,અમદાવાદ, નાસીક, પુના સહિતના મહાનગરોમાંથી પણ દેશી અને વિદેશી ગુલાબ, ગલગોટા સહિતના ફૂલો માંગલિક પ્રસંગો અને લગ્નસરાની સીઝનને અનુલક્ષીને કંકુપગલા, હલદીમંડપ, લગ્નમંડપ, રૂમ ડેકોરેશન તેમજ વરરાજાની કારના ડેકોરેશન કરવાવાળાઓ દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે.