સુરતઃ શહેરના હીરાના મોટાભાગના કારખાનામાં દિવાળી વેકેશન જાહેર કરી દેવાતા રત્ન કલાકારો પોતાના માદરે વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. હીરાના વિવિધ યુનિટોમાં 5 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર સુધીમાં વેકેશન પડશે. કેટલાક કારખાનેદારોએ આજે રવિવારથી જ દિવાળી વેકેશન જાહેર કરી દીધુ છે તો કેટલાક કારખાનેદારોએ 9મીથી દિવાળી વેકેશન જાહેર કર્યુ છે. વેકેશન ક્યાં સુધી છે. તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે મંદીને કારણે દિવાળી બાદ વેકેશન લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
સુરત શહેર હીરા ઉદ્યોગનું મુખ્ય મથક ગણાય છે. અને અનેજ લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરાના કારખાનાઓમાં દિવાળીએ વેકેશન પાડવામાં આવતું હોય છે અને વેકેશન પહેલા તમામ હિસાબ કિતાબ મેળવી કર્મચારીઓને પગાર ચૂકવી દિવાળી વેકેશન પાડવામાં આવે છે. ત્યારે હીરા ઉદ્યોગમાં વેકેશનને લઈ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આજે 5 નવેમ્બરથી લઈ 9 નવેમ્બર સુધી સુરતના તમામ નાના મોટા યુનિટમાં વેકેશન પાડવામાં આવશે. આ વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગ મંદી અને તેજી વચ્ચે ચાલતો રહ્યો છે. દિવાળી બાદ તેજી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું .જેને લઈ હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી હતી અને મંદીનું ગ્રહણ લાગ્યું હતું. તે દરમિયાન હીરા વેપારીઓએ યુક્તિ પ્રયુક્તિથી વેપાર કરી અને હીરા ઉદ્યોગને મંદીમાં પણ સંતુલન બનાવી ચાલુ રાખવામાં આવ્યું હતું. જેથી રત્નકલાકારો બેરોજગાર ના થાય. હાલ પણ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, 15 ડિસેમ્બર સુધી રફ હીરાની આયાત કરવી નહીં. કારણ કે આમ કરવાથી રફનો સ્ટોક પૂર્ણ થઈ જવાથી મંદીમાં સંતુલન બનાવી શકાય,
સૂત્રોએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે તમામ વેપારીઓ પણ અટવાઈને બેઠા છે. જેથી આગામી દિવસોમાં વેકેશન ખુલવાની તારીખ જાહેર કરવામાં આવશે. સરેરાશ દર વર્ષે 20થી 22 દિવસનું દિવાળી વેકેશન હોય છે પરંતુ હાલની પરિસ્થિતિના કારણે વેકેશન ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી નથી. (file photo)