Site icon Revoi.in

9મી મેએ શૈક્ષણિક સત્ર પુરૂ થતું હોવાથી ધો. 1થી 9 અને 11નું પરિણામ સમયસર જાહેર કરી દેવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જતાં હાલ ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. જ્યારે હવે સ્કૂલોમાં ધોરણ 1થી 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે, જે આ મહિનાના અંત સુધીમાં પુરી થશે. ત્યાર બાદ 9 મે સુધી તમામ સ્કૂલો દ્વારા પરિણામ પણ આપી દેવામાં આવશે. જેથી ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર પૂરું થશે.

રાજ્યની તમામ ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે, તો કેટલીક ખાનગી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ 3થી 8માં તમામ વિષયોમાં દ્વિતીય પરીક્ષાનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે 200 ગુણના આધારે નહીં પરંતુ 160 ગુણના આધારે પરિણામ તૈયાર કરશે. હાલ ચાલી રહેલી પરીક્ષામાં સરકારી સ્કૂલોના પેપર GCERT દ્વારા મોકલવામાં આવી રહ્યા છે જ્યારે ખાનગી સ્કૂલો જાતે પ્રશ્ન પત્ર તૈયાર કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવામાં આવી રહ્યું હતું, ત્યારે આ વખતે ત્રણ વર્ષ બાદ વાર્ષિક પરીક્ષા યોજાશે. આ મહિનાના અંત સુધી 1થી 9 અને ધોરણ 11ની પરીક્ષા પણ પૂર્ણ થશે. જે બાદ બાળકોને ઊનાળુ વેકેશન આપવામાં આવશે, પરંતુ સ્કૂલો 9 મે સુધી ચાલુ રહેશે. જેમાં પેપર ચકાસણી કરવામાં આવશે. જેથી 9મે સુધી તમામ સ્કૂલોએ પરિણામ જાહેર કરવાના રહેશે. 9 મેએ સ્કૂલોમાં વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર પૂરું થશે.