દિલ્હીમાં કોરોનાના કેસ વધતા કેજરિવાલ સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડની તૈયારીઓ શરૂ કરી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 366 નવા કોરોના દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાનો પોઝિટિવ રેટ 2.49 ટકા હતો, વધીને 3.95 ટકાએ પહોંચ્યો હતો. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને રાજધાનીમાં મોટી લહેરના જોખમનો સામનો કરવા માટે 65,000 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને મોટાભાગના કિસ્સાઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની ગતિ વધી નથી, તેથી ગભરાવાની જરૂર નથી. ચિંતા કરવા જેવું કંઈ નથી. રાજધાનીમાં XE વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. જીનોમ સિક્વન્સિંગ માટે લગભગ 300 સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો સંક્રમણ ફેલાય છે, તો સરકારે બે અઠવાડિયાની અંદર દિલ્હીના દરેક વોર્ડમાં 100 ઓક્સિજન બેડ વધારવાની તૈયારી કરી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારની તૈયારી 65 હજાર બેડની છે જેથી કોઈ વ્યક્તિને ઈમરજન્સીમાં બેડની અછત ન રહે. હાલમાં દિલ્હીમાં 37,000 કોવિડ બેડ અને 10,594 કોવિડ ICU બેડ ઉપલબ્ધ છે.
આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે, અમે તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહ્યું છે. જરૂર પડશે તો RTPCR ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે. કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ઘણી ઓછી છે. હાલમાં, તે દિલ્હીમાં સક્રિય કેસના 0.52 ટકા છે.