કોરોનાના કેસમાં વધારા વચ્ચે રેલવે વિભાગનું આગોતરુ આયોજનઃ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યાં
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ 3 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રેલવે વિભાગ પણ વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી રહ્યું છે. જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય અને ઓક્સિજન માટે દર્દીઓના પરિવારજનોને દોડધાન ના થાય. દાહોદમાં રેલવે વિભાગે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઉપરાંત ચાર મહાનગરમાં પ્લાન્ટ શરૂ કરાયાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. હવે રેલવે વિભાગ પણ દેશની જનતાને જરૂરી મેડિકલ સેવા મળી રહે તે દિશામાં આગળ વધી રહ્યું છે. રેલવે વિભાગ એક બાદ એક વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. રેલવે વિભાગના અધિકારીનું માનવું છે કે બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી લોકોએ જીવ ગુમાવ્યા તે ત્રીજી લહેર કે ઓમિક્રોનમાં જીવ ગુમાવવા ન પડે. અને લોકોની સાથે રેલવે કર્મચારીઓને જલ્દી અને સારી સારવાર મળી રહે.
કોરોના મહામારીને પગલે અગાઉ સાબરમતીમાં આવેલી રેલવે કોલોનીમાં રેલવે ચિકિત્સાલ્ય પર રેલવે કર્મચારી માટે કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી. જ્યાં બીજી લહેરમાં કુલ 159 લોકોને સારવાર અપાઈ હતી. જેમાં 40 જેટલા લોકોના મોત થયા હતા. જેમાં મુખ્ય કારણ ઓક્સિજનનો અભાવ અને દર્દીની બગડતી હાલત હતી. જેથી અન્ય કોઈ કર્મચારી સાથે આવી ઘટના ન બને અને મોતને ભેટવું ન પડે તે માટે રેલવે વિભાગ આગવું આયોજન કર્યું. રેલવે ઓક્સિજન વિવિધ શહેરમાં પહોંચાડવા સાથે કોચમાં આઈસોલેશન વોર્ડ સહિત હોસ્પિટલો શરૂ કરી છે.સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા રેલવે હોસ્પિટલ પર ઓકિસજન પ્લાન્ટ શરૂ કર્યા છે.
(Photo-File)