પાલનપુરમાં ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવવાની જગ્યા નથી, એજન્સીએ કચરો ઉપાડવાનું બંધ કર્યું
પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરીને ડમ્પિંગ સાઈટ પર ઠાલવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ ડમ્પિંગ સાઈટ પર કચરાના ડૂંગર ખડકાઈ ગયા છે. અને સ્થિતિ એવી ઊભી થઈ છે. કે. હવે કચરો ઠાલવવાની જગ્યા જ બચી નથી. તેથી ડોર ટુ ડોરનું કચરો એકઠો કરવાનું કામ કરતી એજન્સીએ હથિયારો હેઠા મૂક્યા હોય એમ તમામ વાહનો બંધ કરી રામપુરા ચોકડી ખાતે મૂકી દીધા છે. જો સ્થિતિ લાંબો સમય ચાલશે તો શહેરમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ડમ્પિંગ સાઈડ પર કેટલાક દિવસોથી ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા વાહનો ડમ્પિંગ સાઇટની ઉપર વાહન જવા માટેનો રસ્તો ન હોવાથી વાહન ચાલકો સંરક્ષણ દીવાલની બહાર જ કચરો નાખતા નાખતા આગળ સુધી પહોંચી જતા રસ્તાની અવરજવર બંધ થઈ ગઈ છે. આ સમસ્યા મામલે એજન્સીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ” કચરો ક્યાં નખવો એ બાબતે ચીફ ઓફિસર અને પ્રમુખ બંનેનું ધ્યાન દોર્યું છે. લેખિત રજૂઆત પણ કરી છે.”22 જેટલા વાહનો છે જે શહેરની તમામ મિલકતો સુધી પહોંચે છે અને કચરો એકત્રિત કરે છે. ઉપરાંત મુખ્ય રસ્તા પરના 30થી વધુ ઢગલા પણ ઉપાડીએ છીએ. દરરોજ 60 ટનથી વધુ કચરો એકત્રિત થાય છે પરંતુ આટલી બધી માત્રામાં કચરો નાખવા માટે કોઈ જગ્યાએ ન હોવાથી આખો રસ્તો પેક થઈ ગયો છે.
કચરો એકઠો કરતી એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યા કચરો ઠાલવવામાં આવે છે. ત્યાં કચરાના ડૂંગર બની ગયા છે. ઉપરાંત કચરાને કારણે રસ્તો પણ અવરજવર માટે બંધ થઈ ગયો છે. અધૂરામાં પૂરું પ્રાઇવેટ સ્ક્રેપ વાળા, અન્ય મોટા એકમો, માસ મટનના એકમો ચલાવતા લોકો દ્વારા ફેકાતા કચરાના લીધે સ્થિતિ વધુ કફોડી બની છે.” તો બીજીતરફ આ સમગ્ર મામલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ જણાવ્યું કે “મેં હમણાં જ ચાર્જ લીધો છે. અવરજવર માટે રસ્તો બંધ થઈ જાય અને કચરો ફેંકવા જગ્યા ન હોય તે બાબત અમે તપાસ કરીને જલ્દીથી કોઈ નિર્ણય લઈશું.