અમદાવાદઃ ગુજરાતમાં ગત રવિવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી જતાં ફરીવાર તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડીગ્રીએ પહોંચી ગયો છે. જો કે જુનના બીજા સપ્તાહથી ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા કેટલાક હવામાન શાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.
હવામાવ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં રવિવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની અસર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન પવનો ચાલુ રહેવા છતાં ગરમીનો પારો 3.6 ડિગ્રી ઊંચકાતા ગરમીમાં વધારો થયો છે. રવિવારથી અમદાવાદમાં ઝંઝાવાતી પવનો અને વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ગરમીમાં ઘટાડો થયો હતો. પરંતુ બુધવારથી વરસાદી સિસ્ટમ દૂર થતાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આજે ગુરૂવારે પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. જો કે વહેલી સવારથી દિવસ દરમિયાન પવનો ચાલુ રહ્યાં હતા. તેમ છતાં બપોર પછી લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 40થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની અસર ઘટતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી ગરમીમાં વધારો થયો છે. છેલ્લાં બે દિવસ મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જયારે ગઈકાલે બુધવારે અને આજે ગુરૂવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોનું તાપમાન ફરી 40થી 41 ડિગ્રી નોંધાયું હતુ.