અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને દોઢ મહિનો બાકી રહ્યો છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ વધુમાં વધુ બેઠકો મેળવવા પ્રચાર પ્રસારમાં એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે 27 વર્ષથી ગુજરાતમાં શાસનમાં રહેલી ભાજપ પણ ગુજરાતમાં કબ્જો જમાવવા એડીચોટીનું જોર લગાવી રહીછે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે, આ બધાની વચ્ચે ભાજપ 5 ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રામો પ્રારંભ થઈ રહ્યો છે.
ભાજપ દ્વારા મિશન 182 માટે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ચૂંટણી માટેનો આંતરિક સર્વે પણ કરવામાં આવ્યો છે. જેમાં નબળી ગણાતી 83 બેઠકો પર ભાજપનું ફોકસ વધારવાની સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ભાજપની વિશેષ નજર છે. હારેલી બેઠકો કબજે કરવા ભાજપ આયોજન બનાવી રહ્યુ છે. ઓછા માર્જિનથી હારેલી બેઠકો પર વધુ ધ્યાન આપવા માટે પણ આ ગૌરવ યાત્રા શરુ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આદિવાસી મતબેંક પર ભાજપની નજર છે. ગૌરવ યાત્રા દ્વારા આદિવાસી બેઠકો પર ફોકસ કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. ઝોન વાઇઝ 10 દિવસની યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તાના શિખરો સર કરવા ભાજપ દ્વારા પાંચ ઝોનમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ 182 બેઠકોનો સમાવેશ થાય છે.યોજના મુજબ પ્રચાર કેમ્પેઈન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 2-2 યાત્રા યોજાશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં એક યાત્રા યોજાશે.રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ યોજાનારી આ યાત્રામાં પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો સમય માંગ્યો છે.