પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ
અમદાવાદઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ.શ્રાવણ માસનો પહેલા સોમવારથી પ્રારંભ થઈ રહી છે. ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની દર્શન કરવા ભારે ભીડ. સોમનાથ મંદિરમાં વર્ષથી પ્રસાદ, પૂજા, ભેટ માટે પ્રથમ વખત કૅશલેસ ડિજિટલ કાઉન્ટરનો પ્રારંભ કરાયો છે.
સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો સામસામાં ભટકાય એવું નહીં બને, પરિણામે મંદિરના સંકુલમાં ભીડ પણ જમા નહીં થાય. જ્યાં જૂનું એસટી બસ સ્ટેશન હતું ત્યાંથી હવે ભાવિકોને પ્રવેશ અપાય છે, જૂની એન્ટ્રી જ્યાંથી થતી ત્યાંથી હવે ભાવિકો બહાર નીકળશે. મંદિર સંકુલમાં 30 હજાર ચોરસ ફૂટનો વિસ્તાર વધી જતાં ગમે એટલી સંખ્યામાં ભાવિકો આવે ભીડ નહીં જામે. વળી યાત્રાળુઓના ચેકિંગ માટે મહિલાઓ અને પુરુષોની 3-3 લાઇનો બનાવાઇ છે.
આથી પ્રવેશ બાદ પાંચમી મિનિટે દર્શન માટે ગર્ભગૃહ સુધી પહોંચી શકાશે.
સોમનાથ આવતા ભાવિકોને મંદિરમાં ભેટ ધરવા, પૂજા નોંધાવવા કે પ્રસાદ મેળવવા માટે રોકડ રકમની જરૂર પણ નહીં પડે. આ માટે ખાસ કૅશલેસ ડિજિટલ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ભાવિકો ક્યુઆર કોડ અથવા પોતાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશે. સોમનાથ દાદાને દાનપેટીમાં ભેટ પધરાવવી હશે પણ જો રોકડ નહીં હોય તો આ કૅશલેસ કાઉન્ટર પર પણ જમા કરાવી શકાશે. આમ આ શ્રાવણે ભાવિકોને સોમનાથ મંદિરે નવી વ્યવસ્થા જોવા મળશે.
સોમનાથમાં આ શ્રાવણે રામકથા અને શિવકથા, બંનેનો લાભ મળશે સોમનાથમાં આ વખતે ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પહેલા દિવસથી જ રામકથા શરૂ થઇ રહી છે. 5થી 13 ઑગસ્ટ સુધી ચાલનારા આ રામકથામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન કુણાલ જોષી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. ત્યાર બાદ 26 ઑગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી શિવકથાનું પારાયણ થશે. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ આચાર્ય ડૉ. પંકજ રાવલ શિવકથા કરશે. બંને કથાનો સમય સાંજે 4થી 7નો રહેશે.