Site icon Revoi.in

માર્કેટમાં ફુલોની આવક ઘટતા દિવાળી સુધી ભાવ ઘટવાની શક્યતા નથી

Social Share

જામનગરઃ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ફુલોની ખેતી કરવામાં આવે છે. આ વખતે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ફુલોની ખેતીને નુકશાન થયુ છે. ભારે પવન સાથે વરસાદ પડતા ફુલોના છોડ નમી પડ્યા છે. તેના લીધે ફુલોના ઉત્પાદન પર અસર પડી છે. જામનગરથી રાજકોટના યાર્ડમાં પણ ફુલો વેચાણ માટે મોકલવામાં આવે છે. પણ હાલ ફુલોની આવક ઘટી ગઈ છે. તેથી ફૂલના ભાવમાં પણ વધારો થયો છે. એક માસ સુધી ફૂલના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.

જામનગર જિલ્લાના મોખાણા સહિત આજુબાજુના ગામમાં મોટા ભાગના ખેડૂતો ફૂલોની ખેતી કરે છે અને તેનું વેચાણ સ્થાનિક બજારમાં થતું હોય છે. પરંતુ તાજેતરમાં થયેલા વરસાદને લઈ ફૂલની ખેતીમાં મોટું નુકસાન આવ્યું હોવાથી ફૂલની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ફૂલના ભાવ વધુ હોવાથી હાલ માંગ પણ ઘટી રહી છે. આથી ફૂલની ખેતી અને તેના વેપાર સાથે સંકળાયેલા લોકોની સ્થિતિ ખરાબ બની છે.

ફુલોના વેપારીઓના કહેવા મુજબ ફુલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. વરસાદની લીધે ફૂલના પાકમાં ખૂબ નુકસાની આવી હતી. હાલ અન્ય રાજ્યમાંથી ટ્રેન મારફતે ફૂલો આવી રહ્યા છે. જેથી તે ખૂબ મોંઘા છે. હજુ પણ જામનગરમાં આજુબાજુમાં ગ્રામ્ય પંથકમાં થતા ફૂલને ઉત્પાદન એક માસ સુધી આવે તેમ નથી. આથી એક માસ સુધી ફુલોના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. દિવાળીના તહેવાર દરમિયાન પણ અન્ય રાજ્યમાંથી ફૂલ મંગાવવા પડશે. આથી તે કમિશન ભાડા સહિતને લઈને મોંઘા પડશે. ફૂલની ખેતી સાથે સંકળાયેલા ખેડુતોએ જણાવ્યું હતું કે, “વરસાદી સીઝનમાં આમ પણ ફૂલનું ઉત્પાદન ઓછું થતું હોય છે અને તેમાં પણ અતિવૃષ્ટિને લઈ ફૂલની ખેતીમાં ખૂબ નુકસાન થયું છે. આથી હજુ એક માસ સુધી ફૂલનું સહેજ પણ ઉત્પાદન થઈ શકે તેમ નથી. જેથી ભાવ વધારો યથાવત રહેશે. ગુલાબની પાંદડી અને ગુલાબના કિલો દીઠ 500 રૂપિયાના ભાવે હાલ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગલગોટા સહિતના ફૂલના 150 રૂપિયા ભાવે વેચાઈ રહ્યા છે. અને હજુ પણ આગામી સમયમાં આ ભાવ વધારો યથાવત રહેશે. જામનગરની ફૂલ બજારમાં જિલ્લાના મોખાણા, વિજરખી, ધ્રોલ તાલુકાના વાગુદડ ગામ અને લાલપુર, તેમજ મોરકાંડા ઉપરાંત દરેડ, દડીયા, રણજીત સાગર અને મોખાણા સહિતના નજીકના ગામેથી ફૂલો આવી રહ્યા છે.