અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ ફરી દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાતા ગરમીનો અનુભવ અને રાત્રી દરમિયાન તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલના કેસમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ થતો રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ પણ ઘટી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં તાપમાનને લઇને કોઇ મોટો ફેરફાર થશે નહીં. સમગ્ર રાજ્યનું તાપમાન યથાવત રહેશે. તદુપરાંત વાતાવરણ સુકુ રહેશે. પણ ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ ઓછુ અનુભવાશે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 12.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોચ્યું છે. આગામી પાંચ દિવસોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ થવાની હવામાન વિભાગની આગાહી છે. તદુપરાંત ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર હતું.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું હોવાને કારણે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો અને રાત્રી દરમિયાન ઘટાડો વધુ અનુભવાઈ રહ્યો છે. તથા રાજ્યના કેટલાક ભાગો પર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે. પરંતુ આ વાદળો વરસાદી વાદળો નથી.
જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતની ચિંતા વધારવા માટે પરી એકવાર રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે. એટલું જ નહીં કમોસમી વરસાદ બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે.વાદળો આવવાની શક્યતા રહેતા આગામી બે-ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે..