દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોન હવે સામાન્ય બની ગયો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ ડેટા પણ મર્યાદિક કિંમતમાં દરરોજ દોઢથી બે જીડી ડેટા આપવામાં આવતા ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ આજના યુવાનો મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન ગેમર્સનો આનંદ મેળવે છે. બીજી તરફ સાઈબર ઠગ્સ દ્વારા ઓનલાઈન ગેમ્સ રમતા લોકો સાથે છેતરપીંડીના બનાવોમાં વધારો થયો છે. સાયબર સિક્યોરિટી કંપની નોર્ટનના નવા રિપોર્ટ અનુસાર, ભારતમાં દર ચારમાંથી 3 ઓનલાઈન ગેમર્સે એક વાર અથવા ઘણી વખત સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો છે અને તેમાંથી મોટાભાગના લોકોને આના કારણે આર્થિક નુકસાન પણ થયું છે.
રિપોર્ટ અનુસાર, દર પાંચમાંથી 4 ભારતીય ગેમર્સે ગેમ રમતી વખતે હેકિંગને કારણે પૈસા ગુમાવ્યા છે. સાયબર ફ્રોડને કારણે તેમને સરેરાશ 7,894 રૂપિયાનું નુકસાન થયું છે. એટલે કે, 80 ટકાથી વધુ ઓનલાઈન ગેમર્સે સાયબર ફ્રોડમાં પૈસા ગુમાવ્યા છે. આ ઉપરાંત, 28 ટકા પીડિતો એવા છે કે જેમણે તેમના ગેમિંગ ડિવાઇસ પર માલવેર ડાઉનલોડ કર્યું છે અને 26 ટકા એવા છે જેમણે એકાઉન્ટની માહિતી ઓનલાઈન શેર કરીને છેતરપિંડી કરી છે. રિપોર્ટ અનુસાર, દરેક 5 માંથી 2 લોકોએ કહ્યું કે તેઓ અન્ય યૂઝર્સના ગેમિંગ એકાઉન્ટ હેક કરવા માટે પણ પૈસા ચૂકવવાનું વિચારી શકે છે. 10 માંથી 6 લોકોએ (62%) કહ્યું કે તેઓએ COVID-19 રોગચાળા દરમિયાન ઑનલાઇન ગેમિંગ શરૂ કર્યું. રિપોર્ટમાં ઓનલાઈન ગેમર્સમાં સાયબર સિક્યોરિટીની ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.