પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, ઈમરાનખાને સરકારને ઘેરવા વ્યૂહરચના ઘડી
- ઈમરાનખાને લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢી
- શરીફ સરકાર ઉપર આક્ષેપ કરીને ભારતની કરી પ્રશંસા
- સરકારે કાયદાનો ભંગ ના કરવા ઈમરાનખાનને ચેવતણી આપી
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટના વાદળો ઘેરાયાં છે. હાલની પીએમ શરીફ સરકાર સામે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. તેમજ સરકારની વિરોધમાં હકીકી આઝાદી નામથી લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢવામાં આવી રહી છે. દરમિયાન ઈમરાનખાને પીએમ શરીફ સામે આકરા પ્રહાર કર્યાં હતા. જ્યારે ભારતની વિદેશનીતિના વખાણ કર્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારને પાડીને શાહબાઝ શરીફે વિપક્ષી પાર્ટીઓની મદદથી પાકિસ્તાનમાં સરકાર બનાવી હતી. જે બાદ ઈમરાન ખાને શરીફ સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને આંદોલન શરૂ કર્યું હતું. તેમજ લાહોરથી ઇસ્લામાબાદ સુધી યાત્રા શરૂ કરી છે. ઇમરાને તેને ‘હકીકી આઝાદી’ નામ આપ્યું છે.
ઈમરાન ખાનએ સમર્થકોને જણાવ્યું હતું કે દેશમાં ચૂંટણીની માંગને લઈને આ યાત્રા શરૂ કરાઇ છે. યાત્રા દરમિયાન તેમણે સેના અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ ભારતની વિદેશનીતિની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે ‘ભારત મરજીથી રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે પરંતુ પાકિસ્તાન હજુ પણ ગુલામ છે. પાકિસ્તાન પોતાના દેશના હિતના નિર્ણય લઈ શકતા નથી.’ બીજી તરફ પાકિસ્તાન સરકારે ઈમરાનખાન અને તેમના સમર્થકોને ચેતવણી આપી છે કે યાત્રા દરમિયાન કોઈ પણ કાયદાનો ભંગ થશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.