Site icon Revoi.in

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે ‘હું જ છું અને રહીશઃ કુંવરજી બાવળિયાનો હુંકાર

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાત મહિના જેટલો સમય બાકી છે, ત્યારે જ્ઞાતિ અને સમાજના પ્રમુખોમાં પદ મેળવવા માટે હોડ જામી છે. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને પગલે રવિવારે સુરતના કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે કુંવરજી બાવળિયાએ હુંકાર કર્યો હતો કે, અખિલ ભારતીય કોળી  સમાજનો પ્રમુખ તો હું જ છું અને રહીશ, અજીત પટેલે ભૂલ સ્વીકારી લીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવી ગયો છે. મારી અને અજીતભાઇ વચ્ચે જે ગેરસમજ હતી તે હવે દૂર થઇ ગઇ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્ટ મુદ્દત આવશે ત્યારે આ કેસ અજીત પટેલ દ્વારા પરત ખેંચી લેવામાં આવશે અને ત્યારબાદ સમાજ જે નક્કી કરશે તે પ્રમાણે ઇલેકશન અથવા તો સિલેકશન થશે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા દ્વારા આ વિવાદ મામલે ગત રાત્રીએ સમાધાન થઇ ગયું હોવાનો અને સામાજિક વિવાદ હવે પૂરો થઇ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદના મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કુંવરજી બાવળિયા સામે કોળી સમાજના આગ્રણી અને નવા પ્રમુખ અજીત પટેલે આક્ષેપ કર્યા હતા કે, કુંવરજી બાવળિયા ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10 જૂન 2020ના રોજ તેમનો કાર્યકાર પૂર્ણ થતો હોવા છતાં એક વર્ષ માટે કાર્યકાર લંબાવ્યા બાદ 10 જૂન 2021ના રોજ કાર્યકાર પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતાં આવ્યા છે. બાવળિયાએ અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા હતા. આટલું જ નહીં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્ર્મનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે આ બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખુબ જ ગંભીરતાથી લીધી હતી.