સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મોટાભાગના ગામડાંમાં નર્મદાના નીરને લીધે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. મોટાભાગના ગામોમાં પાઈપ લાઈન દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ યાંત્રિક ક્ષતિ તંત્રની નિષ્ફળતાને કારણે જિલ્લાના અંકેવાળિયા સહિત અનેક ગામો પીવાના પીણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી અંકેવાળિયા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને લીંબડી -સુરેન્દ્રનગર હાઈવે ચક્કાજામ કરતા અસંખ્ય વાહનો અટવાયા હતા. તંત્ર દ્વારા લીંબડીના અંકેવાળીયા ગામ સહિત આસપાસના ગામોમાં પાણી પૂરું પાડવામાં ન આવતા મહિલાઓ અને રહીશોએ ચક્કાજામ કરી ભારે ઉહાપોહ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. લીંબડીના અંકેવાળીયા ગામ પાસે મહિલાઓ રસ્તા પર ચક્કાજામ કરી હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ કરતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે મહિલા પોલીસ સહિતનો લીંબડી પોલીસ મથકનો કાફલો હાઇવે પર દોડી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામડાંઓમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે. મહિલાઓ ખરા બપોરે 42 ડીગ્રીના તાપમાનમાં માથે બેડા લઇ પીવાના પાણીની એક એક બૂંદ માટે દૂર દૂર સુધી વલખાં મારતી નજરે પડે છે. અને હાલમાં કાળઝાળ ગરમીમાં મહિલાઓમાં બેડા યુધ્ધના દ્રશ્યો પણ સહજ બન્યા છે. લીંબડીના અંકેવાળીયા ગામ સહિત આસપાસના લોકોએ અનેક રજૂઆત કરવા છતાં પીવાનું પાણી પૂરું પાડવામાં ન આવતા રોષે ભરાયેલી મહિલાઓ અને રહીશોએ હાઇવે ચક્કાજામ કર્યો હતો, જેના પગલે હાઇવે પર રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હાઇવે પર ચક્કાજામ સાથે વિરોધ કરી રહેલી મહિલાઓએ હાઇવે પર તંત્ર વિરુદ્ધ છાજીયા લેવાની સાથે માટલા ખખડાવી સૂત્રોચ્ચારો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ ઘટનાના પગલે મહિલા પોલીસ સહિતનો લીંબડી પોલીસ મથકનો કાફલો હાઇવે પર દોડી ગયો હતો. અને વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને સમજાવવનો પ્રયાસ કર્યો હતો. આ અંગે આંદોલન કરી રહેલી મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું કે, અમારા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના લીધે કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી.