હળવદ નજીક ટેન્કર પલટી જતાં તેલના ખાબોચિયા ભરાયા, લોકો કેરબા,વાસણો લઈને તેલ ભરવા દોડ્યા
સુરેન્દ્રનગરઃ હળવદના હાઈવે પર કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલટી ખાઇ ગયું હતુ. આથી ટેન્કરમાંથી રોડ પર ઢોળાયેલું તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. લોકો ડોલ, ડબ્બા કે તપેલી જે મળે એ લઇ તેલ ભરવા દોડી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ હળવદ-ધાંગધ્રા-માળિયા હાઈવે રોડ પર અવારનવાર ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સોમવારે સવારે હળવદ નજીક કવાડીયા ગામના પાટિયા પાસે બન્યો હતો. હળવદથી ધ્રાંગધ્રા ગામ તરફથી આવતુ તેલ ભરલુ ટેન્કર એકાએક પલટી મારતા તેલની રેલમછેલ સર્જાઇ હતી. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે દોડીને તેલ લેવા માટે લોકોએ કેરબા ડબા સહિતના વાસણોથી તેલ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ફરીયાદ નોંધવાની તાજવીજ હાથ ધરી હતી.આ અકસ્માતના બનાવમાં ટેન્કરમાંથી હજારો લીટર તેલ રોડના સાઇડના ખાડામાં ઢોળાયું હતુ. સદભાગ્યે ટેન્કર ચાલકને સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. હળવદના કવાડીયા પાસે તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.