અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો છે. જો કે ચોમાસાને હવે એકથી દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. એટલે ચિંતાજનક બાબત નથી.
રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 17.33% જળ સંગ્રહ, અને કચ્છના 20 જળાશયોમાં 29.98% જળ સંગ્રહ છે. તેમજ સરદાર સરોવર ડેમમાં 55.17% જળ સંગ્રહ છે. રાજ્યના 86 ડેમમાં 10% કરતા ઓછુ પાણી બાકી રહ્યું છે.આ ઉપરાંત પાંચ જળાશયો ખાલીખમ છે,
ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 34.13 ટકા પાણી ઉપલબ્ધ છે. ત્યારે પીવાનાં પાણીની સ્થિતિે પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શક્યતા છે. ખેડા જિલ્લામાં 14 ટકા, સુરતમાં 15 ટકા, અમરેલીમાં 18, બોટાદમાં 23 ટકા જ્યારે જામનગરમાં 18 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ તમામ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં સૌથી વધારે 3 લાખ હેક્ટરમાં વાવેતર છે. જેમાં 1.69 લાખ હેક્ટરમાં બાજરી છે. અન્ય એક પણ જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર નથી. આણંદ જિલ્લામાં 73 હજાર હેક્ટર, જૂનાગઢમાં 55 હજાર હેક્ટર વાવેતર છે. ડાંગ જિલ્લામાં 2000 હેક્ટર, નર્મદા જિલ્લામાં 3800 હેક્ટર, દ્વારકામાં 4600 હેક્ટર, વલસાડમાં 5700 હેક્ટર વિસ્તારમાં ઉનાળું વાવેતર છે. જે જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકા જેટલો છે. તે જળાશયો દ્વારા સિચાઈ માટેનું પાણી આપી શકાશે.