Site icon Revoi.in

ભાવનગરના શેત્રુંજી ડેમની જળ સપાટી 29 ફુટે પહોંચતા નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા

Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં અષાઢના પ્રારંભથી મેઘરાજાએ સમયાંતરે વરસીને નદી-નાળાં અને તળાવો છલકાવી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 29 ફૂટે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે.

શેત્રુંજી ડેમના ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે ડેમની જળ સપાટી વધી રહી છે. હાલ ડેમની જળસપાટી 29 ફુટે પહોંચી છે. આથી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે. શેત્રુંજી ડેમમાં લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર કરવી નહીં તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું,  ડેમ 34 ફૂટે છલકાશે તેથી હજુ 4થી 5 ફૂટ ડેમ ખાલી છે. પણ પાણીની આવક સતત ચાલુ હોવાથી જળ સપાટી વધી રહી છે. ડેમ ચોમાસાના પ્રથમ મહિનામાં જ ભરાઈ જતાં પાલિતાણા, તળાજા સહિતના વિસ્તારોને વર્ષ દરમિયાન સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેશે.

આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતું કે, સતત ત્રણ-ચાર દિવસથી શેત્રુંજી ડેમમાં પાણીની આવત અવિરીત શરૂ રહી છે, જેમાં 2030 ક્યુસેક પાણીની આવક શરૂ હતી અને સપાટી 29 ફૂટે પહોંચી હતી. (file photo)