નવી દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામએ આરોગ્યને કારણોસર પોતાની સજાને રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે સુનાવણીના અંતે આસારામને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર કરાવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આસારામની તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, તેઓ સરકારી વકીલની રજૂઆતને સ્વીકાર કરવા તૈયાર છીએ છે કે, તેઓ મહારાષ્ટ્રના ખોપોલીમાં માધવબાગ હાર્ટ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં સારવાર કરાવી શકે છે. જેથી ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે રાહત માટે રાજસ્થાન હાઈકોર્ટમાં જવા નિર્દેશ કર્યો હતો. કોર્ટે આસારામને કહ્યું કે, તેઓ માધવબાગ હાર્ટ હોસ્પિટલમાં પોતાની સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરે અને તેની ઉપર કાનૂન અનુસાર વિચાર કરવામાં આવશે.
વર્ષ 2018માં આસારામને જોધપુરની વિશેષ પોસ્કો કોર્ટે દુષ્કર્મ સહિત વિવિધ કલમ હેઠળ ગુનેગાર ઠરાવ્યાં હતા. તેમજ તેમને જીવે ત્યાં સુધી કેદની સજા ફરમાવી હતી. આશ્રમની એક કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં ઈન્દોરમાં ધરપકડ કરાયાં બાદ જોધપુર લાવ્યા બાદ 2 સપ્ટેમ્બર 2013માં કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ 2013ની રાતના આસારામે તેને જોધપુર નજીક પોતાના આશ્રમ બોલાવીને દુષ્કર્મ ગુજાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આસારામ અને તેમના દીકરા નારાયણ સાંઈ સામે ગુજરાતમાં પણ બે પીડિતાઓએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી.