આસારામની મુશ્કેલી વધીઃ ઉત્તરપ્રદેશના આશ્રમમાં એક કારમાંથી બાળકીની લાશ મળી
લખનૌઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં આસારામ આશ્રમમાંથી એક બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ચારેક દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની લાશ આશ્રમમાં પડેલી કારમાંથી મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરત સહિત દેશના અનેક રાજ્યોમાં આશ્રમ ધરાવતા આસરામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ બળાત્કાર કેસનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં પિતા-પુત્ર હાલ જેલમાં બંધ છે. આસારામની સામે અમદાવાદ ઉપરાંત રાજસ્થાનમાં પણ કેસ નોંધાયેલો છે. અમદાવાદના આસારામ આશ્રમમાં અભ્યાસ કરતા બે બાળકો દીપેશ-અભિષેકના અપમૃત્યુ બાદ આસારામની મુશ્કેલીમાં વધારો થયો હતો. બંને બાળકોના પિતાએ જે તે વખતે આશ્રમ સંચાલકો સામે ગંભીર આક્ષેપ પણ કર્યાં હતા. આ કેસમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદ આશ્રમમાં તપાસ કરી હતી. હાલ બળાત્કાર કેસનો સામનો કરનારા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે કોર્ટમાં કેસ પેન્ડીંગ છે.
દરમિયાન ઉત્તરપ્રદેશના બહરાઈચ રોડ ઉપર આવેલા આસારામ બાપુ આશ્રમમાં એક મોટરકારમાંથી બાળકીની લાશ મળી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બાળકીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપીને તેની મોતનું કારણ જાણવા તપાસ આરંભી છે. દરમિયાન બાળકી ત્રણેક દિવસથી ગુમ હતી. બાળકીની લાશ મળી આવતા પોલીસે આશ્રમને સીલ કર્યું છે. તેમજ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.