Site icon Revoi.in

આસારામની મુશ્કેલીઓ વધી, બળાત્કાર કેસમાં કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો

Social Share

અમદાવાદઃ બળાત્કાર કેસનો સામનો કરતા આસારામને દુષ્કર્મના કેસમાં ગાંધીનગર અદાલતે સુનાવણીના અંતે કસુરવાર ઠરાવીને આજે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમજ પીડિતાને રૂ. 50 હજારનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. આ કેસમાં ગાંધીનગર કોર્ટે બળાત્કારના કેસમાં અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો.

કેસની હકીકત અનુસાર આસારામ આશ્રમની સેવિકા ઉપર દુષ્કર્મ ગુજારવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે આસારામની ધરપકડ કરી હતી. તેમજ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતા. આ કેસ ગાંધીનગરની કોર્ટમાં ચાલ્યો હતો. નવ સુધી ચાલેલી કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે 55 સાક્ષી તપાસ્યાં હતા. જ્યારે બચાવપક્ષના વકીલે 13 સાક્ષી તપાસ્યાં હતા. આમ લગભગ 68 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે કેટલાક દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યાં હતા. તેમજ આરોપીઓને આકરી સજા કરવાની માંગણી કરી હતી. ગાંધીનગરની અદાલતે સુનાવણીના અંતે ગઈકાલે આસારામને કસુરવાર ઠરાવ્યાં હતા. જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવ્યાં હતા. આજે ગાંધીનગરની અદાલતે આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફરમાવી હતી. બચાવપક્ષના વકીલે ગાંધીનગર કોર્ટના આ આદેશને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ દર્શાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દુષ્કર્મના અન્ય કેસમાં હાલ તેઓ રાજસ્થાનની જેલમાં બંધ છે. જ્યારે તેમના પુત્ર નારાયણ સાંઈ સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત આસારામ આશ્રમ સંકુલમાં આવેલા ગુરુકુલમાં અભ્યાસ કરતા દીપેશ અને અભિષેક પ્રજાપતિ અપમૃત્યુ કેસમાં પણ આસારામ આશ્રમ સામે જે તે સમયે ગંભીર આક્ષેપ થયાં હતા.