અફ્ઘાનિસ્તાન છોડ્યા બાદ અશરફ ગનીનું પહેલું નિવેદન, કહ્યું દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ
- અફ્ઘાનિસ્તાન છોડ્યા બાદ બોલ્યા અશરફ ગની
- કહ્યું દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ
- ખુન-ખરાબાથી કાબુલને બચાવવા લીધુ પગલું: અશરફ ગની
નવી દિલ્લી: તાલિબાનની તાકાતને જોઈને દેશ છોડીને ભાગી ગયેલા અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો તેઓ દેશ છોડીને ભાગ્યા ન હોત તો સમગ્ર દેશમાં ખુન-ખરાબાની શરૂઆત થઈ જાત. ગનીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હવે તાલિબાન જીતી ગયું છે. હવે તે અફઘાન લોકોના સન્માન, સંપત્તિ અને સુરક્ષા માટે જવાબદાર છે.
અશરફ ગનીએ તે પણ કહ્યું કે દેશ છોડવાનું કારણ એ હતું કે જો તેઓ અફઘાનિસ્તાનમાં રોકાયા હોત તો મોટી સંખ્યામાં લોકો દેશ માટે લડવા માટે આવી ગયા હોત અને આ દરમિયાન ઘણા લોકો મૃત્યુ પામ્યા હોત, તેમજ કાબુલ શહેર પણ સંપૂર્ણપણે બરબાદ થયું હોત.
રાષ્ટ્રપતિનાં દેશ છોડ્યા બાદ થોડાક જ કલાકોમાં તાલિબાને કાબુલમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો હતો.
ગનીએ આગળ લખ્યું હતું કે તાલિબાન આતંકવાદીઓને કારણે તેને પોતાનો પ્રિય દેશ છોડવો પડ્યો હતો. તેમણે કહ્યું કે મેં આ દેશની રક્ષા માટે છેલ્લા 20 વર્ષથી મારું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તાલિબાન ભલે તલવારો અને બંદૂકોથી કાબુલ જીતી શકે, પરંતુ તે અફઘાન લોકોનું દિલ જીતી શક્યું નથી.