અશ્વિને ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ,સૌથી ઝડપી 450 વિકેટ લેનાર બીજો બોલર
મુંબઈ:ભારતીય ટીમના અનુભવી સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં તેણે દુનિયાભરના દિગ્ગજ બોલરોને માત આપી છે.અશ્વિન હવે સૌથી ઝડપી 450 ટેસ્ટ લેનારો બીજો બોલર બની ગયો છે.
36 વર્ષીય ઓફ સ્પિનર અશ્વિને નાગપુર ટેસ્ટમાં પોતાની પ્રથમ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી.આ નાગપુર ટેસ્ટ પહેલા અશ્વિને 88 ટેસ્ટમાં 24.30ની એવરેજથી 449 વિકેટ લીધી હતી.અશ્વિને ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેક્સ કેરીને પોતાનો 450મો શિકાર બનાવ્યો હતો.
આ રીતે અશ્વિને 93મી ટેસ્ટ મેચમાં 450 વિકેટ ઝડપનાર પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.જ્યારે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઝડપી 450 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનના નામે છે.મુરલીધરને તેની 80મી મેચમાં 450 વિકેટ પૂરી કરી હતી.
મુરલીધરન પછી અશ્વિનનું નામ સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સામેલ થઈ ગયું છે.અશ્વિને આ રેકોર્ડના મામલે માત્ર કુંબલે જ નહીં પરંતુ ગ્લેન મેકગ્રા, શેન વોર્ન અને નાથન લિયોનને પણ પાછળ છોડી દીધા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 450 વિકેટ લેનાર બોલર
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 80 ટેસ્ટ
આર અશ્વિન (ભારત) – 89 ટેસ્ટ મેચ
અનિલ કુંબલે (ભારત) – 93 ટેસ્ટ મેચ
ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલીયા) – 100 ટેસ્ટ મેચ
શેન વોર્ન (ઓસ્ટ્રેલીયા) – 101 ટેસ્ટ મેચ
નાથન લિયોન (ઓસ્ટ્રેલીયા) – 112 ટેસ્ટ