અમદાવાદઃ દેશના ક્રિકેટરસિકોના લાંબા સમયથી જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેનો અંત આવ્યો છે. આખરે એશિયા કપ 2023 (Asia Cup 2023)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ટૂર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 જી સપ્ટેમ્બરે થશે. આ મેચ અપેક્ષા મુજબ કેન્ડી, શ્રીલંકામાં રમાશે.
આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે બુધવારે શેડ્યૂલ જાહેર કર્યું હતું. એમાં ટુર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે 30 ઓગસ્ટે મુલતાનમાં રમાશે, જ્યારે ભારત 2જી સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ગયા વર્ષથી એશિયા કપના આયોજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. લાંબી ચર્ચાઓ અને સમજૂતીઓ બાદ આખરે શ્રીલંકામાં તેનું આયોજન કરવા પાકિસ્તાન સાથે સહમતિ બની હતી. આ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ, 13 મેચની ટૂર્નામેન્ટની 4 મેચો મૂળ યજમાન પાકિસ્તાનને આપવામાં આવી હતી અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકાને આપવામાં આવી હતી.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ એશિયા ક્રિકેટ કપનું હાઇબ્રિડ મોડલના આધારે શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન અને શ્રીલંકાના 2-2 શહેરોની પસંદગી કરવામાં આવી છે. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મેચ પાકિસ્તાનના લાહોરમાં જ યોજાશે, જ્યારે ચોમાસાને કારણે મેચ શ્રીલંકામાં કોલંબોને બદલે દામ્બુલામાં રમાશે.