એશિયા ટીમ ચેમ્પિયનશિપઃ ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે રચ્યો ઇતિહાસ
નવી દિલ્હીઃ એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતીય બેડમિન્ટન મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલમાં જાપાનને 3-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમ મલેશિયાના સિલાંગારામાં બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024માં ફાઇનલમાં પહોંચી ગઈ છે.આ સાથે ભારતે આ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે, પરંતુ તેની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. આવતીકાલે સવારે 7.30 કલાકે ફાઇનલ મેચ રમાશે.
આજની મેચમાં ઓલિમ્પિક ચેમ્પિયન પીવી સિંધુ પ્રથમ મેચ હારી ગઈ હતી. પરંતુ બાદમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ ડબલ્સ મેચમાં પુનરાગમન કર્યું અને મેચ જીતી લીધી. અસ્મિતા ચલિયાએ પણ સિંગલ્સ મેચ જીતી હતી. ચોથી મેચમાં જાપાનની જોડીએ અશ્વિની પોનપ્પા અને પીવી સિંધુની ભારતીય જોડીને 2-0થી હરાવી હતી. આ પછી નિર્ણાયક મુકાબલામાં અનમોલ ખાર્બે જાપાનના નાત્સુકી નિદૈરાને 2-0થી હરાવીને મેચ જીતી લીધી હતી. શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ ચીનને 3-0થી હરાવીને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી હતી.