Site icon Revoi.in

Asian Games 2023:ભારતના નામે વધુ એક મેડલ,નેહા ઠાકુરે સેલિંગમાં જીત્યો સિલ્વર મેડલ

Social Share

મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓ શૂટિંગ, હોકી અને ફેન્સીંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે સિંગાપોરને 16-1થી હરાવીને જંગી જીત નોંધાવી હતી, હવે તેની આગામી મેચ ગુરુવારે જાપાન સામે થશે. ભારતની નેહા ઠાકુરે સેલિંગના ત્રીજા દિવસે પહેલો મેડલ (સિલ્વર) જીત્યો.

બીજા દિવસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, તેથી તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

નેહા ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો

નેહા ઠાકુરે સેલિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. તેણે 11 રેસ બાદ બીજું સ્થાન મેળવ્યું છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે જ તે બીજા સ્થાને પહોંચી શકી હતી. ભારત પાસે હવે કુલ 12 મેડલ છે.

17 વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી ILCA4 ઇવેન્ટમાં 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબૂનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપોરની કેઈરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.