Asian Games 2023:ભારતે ઉઝબેકિસ્તાન પર રેકોર્ડ જીત નોંધાવી, મેચ 16-0થી જીતી
દિલ્હી:એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનમાં શરૂ થઈ ગયું છે. જ્યાં ભારતના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરીને પોતાના મેડલનું ખાતું પણ ખોલ્યું છે. આ સિવાય ભારતીય ટીમે હોકીમાં શાનદાર શરૂઆત કરી છે. એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી છે. ભારતના ફોરવર્ડ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું.
ઉઝબેકિસ્તાન સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા માટે 8 અલગ-અલગ ગોલસ્કોરર્સ હતા. જેમાંથી ત્રણ ખેલાડીઓએ ભારત માટે હેટ્રિક ગોલ કર્યા હતા. ભારત માટે લલિત ઉપાધ્યાય (7′, 24′, 37′, 53′), વરુણ કુમાર (12′, 36′, 50′, 52′), અભિષેક (17′), મનદીપ સિંહ (18′, 27′, 28) ‘) અમિત રોહિદાસ (38′), સુખજીત (42′), શમશેર સિંહ (43′) અને સંજય (57’) એ ગોલ કર્યા. આ જીત સાથે ત્રણ વખતની એશિયન ગેમ્સ ચેમ્પિયન ભારત મેન્સ હોકી પૂલ A સ્ટેન્ડિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. દરેક પૂલમાંથી બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.
FIH રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય પુરૂષ હોકી ટીમ ગયા મહિને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ હાંગઝોઉ ગેમ્સમાં આવી હતી. સુકાની હરમનપ્રીત સિંહ વિના શરૂઆત કરવા છતાં ભારતે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને વિશ્વમાં 66માં ક્રમાંકિત ઉઝબેકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું.મેચની સાત મિનિટ બાદ લલિત ઉપાધ્યાયે પેનલ્ટી કોર્નર પર ઉઝબેક ગોલકીપરને હરાવીને ભારતનો સ્કોર 1-0 કર્યો હતો. થોડીવાર બાદ વરુણ કુમારે અન્ય પેનલ્ટી કોર્નરથી ભારતની લીડ બમણી કરી. પ્રથમ ક્વાર્ટર ભારતની તરફેણમાં સ્કોરબોર્ડ 2-0 સાથે સમાપ્ત થયું.
ભારતે બીજા ક્વાર્ટરમાં પણ પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું અને અભિષેક અને મનદીપ સિંહ દ્વારા બે ઝડપી ફિલ્ડ ગોલ કર્યા. લલિત ઉપાધ્યાયે તેનો બીજો અને ટીમનો પાંચમો ગોલ નજીકથી કર્યો. ત્યારપછી મનદીપ સિંહે બે મિનિટમાં બે ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી અને હાફ ટાઈમમાં ભારતે 7-0ની મજબૂત લીડ મેળવી લીધી.વિરામ પછી, ભારતે વધુ નવ ગોલ ઉમેર્યા અને મેચ 16-0થી જીતી લીધી. ભારતીય પુરુષ હોકી ટીમનો આગામી મુકાબલો મંગળવારે સિંગાપોર સામે થશે. એશિયન ગેમ્સ 2023માં પુરૂષોની હોકી ટૂર્નામેન્ટ પણ ઓલિમ્પિક ક્વોલિફાયર છે, જેમાં ગોલ્ડ વિજેતા ટીમ પેરિસ 2024 માટે ક્વોલિફાય થઈ હતી.