નવી દિલ્હીઃ ચીનમાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ વિવિધ રમાતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન મિકસ્ડ ડબલ્સ ટેનિસમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં નવ ગોલ્ડ મેડલ જીતીને મેડલ લિસ્ટમાં ચોથા ક્રમ ઉપર છે.
ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ મિક્સ્ડ ડબલ્સ ટેનિસમાં શરૂઆતી સેટ 6-2થી ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. તેમણે સુપર ટાઇ-બ્રેક 10-4થી જીત્યો હતો. આ રમતમાં ગોલ્ડ મેડલ જીતવાનો ભારતનો સિલસિલો 2002 એશિયન ગેમ્સથી ચાલુ છે. રોહન બોપન્ના હવે બે વખત એશિયન ગેમ્સ ચેમ્પિયન છે. તેમણે 2018માં દિવિજ શરણ સાથે મેન્સ ડબલ્સ જીતી હતી અને હવે રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
એશિયન ગેમ્સનો આજે સાતમો દિવસ છે. ભારતે છ દિવસમાં કુલ 33 મેડલ જીત્યા હતા. ભારતે સ્પર્ધાના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ અને છઠ્ઠા દિવસે આઠ મેડલ મેળવ્યા હતા. સાતમા દિવસે ભારત એથ્લેટિક્સ અને શૂટિંગમાં મેડલ મેળવી શકે છે. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023માં 9 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 કાંસ્ય મેડલ જીત્યાં છે. આમ ભારતે અત્યાર સુધીમાં 35 મેડલ જીત્યાં છે.
ભારતને શૂટિંગમાં દિવસનો પહેલો મેડલ મળ્યો છે. સરબજોત અને દિવ્યાની જોડીએ મિશ્ર વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ અંતમાં ચીનના શૂટર્સને હરાવી શકી ન હતી. ચીને આ મેચ 16-14ના માર્જીનથી જીતી લીધી હતી. આ સ્પર્ધામાં શૂટિંગમાં ભારતનો આ આઠમો સિલ્વર મેડલ છે. સરબજોતે પોતાના જન્મદિવસ પર સિલ્વર મેડલ જીતીને દેશને ભેટ આપી છે. આયોજકોએ તેમના માટે હેપ્પી બર્થ ડે ટુ યુ… ગીત પણ વગાડ્યું હતું.