એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં કર્યો પ્રવેશ
નવી દિલ્હીઃ ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં 86થી વધારે મેડલ જીત્યાં છે. દરમિયાન એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટથી પરાજય આપીને ફાઈલમાં પ્રવેશ કર્યો છે.
બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં માત્ર 96 રન બનાવી શકે છે. જેના જવાબમાં ભારતે માત્ર 9.2 ઓવરમાં જ એક વિકેટમાં 97 રન બનાવીને જીત મેળવી હતી. 97 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ વિકેટ યશસ્વી જ્યસ્વાલના રૂપમાં પડી હતી. પ્રથમ ઓવરમાં જ જયસ્વાલની વીકેટ પડી હતી. જે બાદ કેપ્ટન ગાયકવાડ (40 રન) અને તિલક વર્મા (55 રન)એ 97 રનની ભાગીદારી કરી હતી. તિલક વર્માએ 25 બોલમાં 50 રન બનાવ્યાં હતા.
ગોલ્ડ મેડલ માટે શનિવારે ફાઈનલ રમાશે. જે પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી સેમિફાઈનલ રમાશે. જેમાં વિજેતા થનારી ટીમ અને ભારત વચ્ચે ફાઈનલ રમાશે. બાંગ્લાદેશ સામેની સેમિફાઈનલમાં ભારતના બોલર સાઈ કિશોરે 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વોશિંગટન સુંદરએ 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અર્શદીપસિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહમદએ એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી પરવેઝ હુસેન ઈમોન (23 રન), ઝાકિર અલી (અણનમ 24) અને રકીબુલ હસન (14 રન)એ પીચ ઉપર પહોંચીને મોટો સ્ટોર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય બોલરો સામે બાંગ્લાદેશની ટીમ ટકી શકી ન હતી.