- 2023માં એર શોનું આયોજન બેંગલુરુ ખાતે
- અત્યારથી જ ફેબ્રુઆરી મહિના માટેની તૈયારીઓ શરુ
ડિફેન્સ એક્સ્પો 2022નું ગુજરાતની રાજધાની ગાંઘીનગર ખાતે ભવ્ય આયોજન બાદ હવે સંરક્ષણ મંત્રાલયે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર એરો-ઈન્ડિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2023માં એશિયાનો સૌથી મોટો એર-શો બેંગલુરુમાં યોજાવા જઈ રહ્યો છે. એરો-ઈન્ડિયાનું આયોજન 13-17 ફેબ્રુઆરી વચ્ચે બેંગલુરુના યલહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવશે.
સોમવારના રોજ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગનું એક પ્રતિનિધિમંડળ બેંગલુરુ પહોંચ્યું અને મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા. પ્રતિનિધિમંડળમાં સંરક્ષણ ઉત્પાદન વિભાગના જોઈન્ટ સેક્રેટરી અનુરાગ બાજપાઈ, કમાન્ડર અચલ મલ્હોત્રા, ડિફેન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઈઝેશનના સીઈઓ અને એચએએલના સીએમડી સીબી અનંતક્રિષ્નન સામેલ હતા.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ બેંગલુરુમાં એર-શો કરવા બદલ સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણ પ્રધાનનો આભાર માન્યો અને સંપૂર્ણ મદદની ખાતરી આપી. તેમણે એરો-ઈન્ડિયાની આ આવૃત્તિને અત્યાર સુધીની સૌથી મોટી બનાવવાની ખાતરી પણ આપી હતી. એરો-ઈન્ડિયાની આ 14મી આવૃત્તિ છે જે ફેબ્રુઆરી 2023માં યોજાવા જઈ રહી છે. દેશનો પ્રથમ એર-શો વર્ષ 1996માં થયો હતો.
એરો ઈન્ડિયાનો શો 2021માં લોકો માટે ખુલ્લો નહોતો. વ્યવસાયિક મુલાકાત માટે જ આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ રોગચાળાને કારણે લોકોના આવવા પર પ્રતિબંધ હતો. એરો ઇન્ડિયાની છેલ્લી આવૃત્તિ એ સૌથી મોટા હાઇબ્રિડ એરો શોમાંનો એક હતો જેમાં 43 દેશોના પ્રતિનિધિમંડળો સહિત 530 કંપનીઓએ ભાગ લીધો હતો.