Site icon Revoi.in

એશિયાનો સૌથી મોટો પાટણ જિલ્લાનો સાંતલપુર સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો

Social Share

અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જન જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી બાજુ ધોધમાર વરસાદને લીધે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો હતો. સાંતલપુરના સોલાર પ્લાન્ટમાં નજર કરો ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે. હજુ પણ વરસાદી વાતાવરણ જામેલું છે.

બિપરજોય વાવાઝોડુ સમી ગયા બાદ ઉતર  ગુજરાતમાં મેઘરાજાનું ધમારેદાર આગમન થયું છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાધનપુર 5.5 ઇંચ, સાંતલપુર ત્રણ ઇંચ, હારીજ 3.5 ઇંચ, પાટણ બે ઇંચ, સિદ્ધપુર બે ઇંચ, સમી 2.5 ઇંચ, સરસ્વતી 1.5 ઇંચ, ચાણસ્મા અને શંખેશ્વર માં 1 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સતત વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. જેમાં સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં જ્યાં નજર નાંખો ત્યાં સુધી વરસાદના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હજુ પણ આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયેલું છે. અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ચારણકામાં ઢીંચણ સમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટમાં ભારે નુકસાન થયુ હતું.  હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 41 થી 61 કિમી રહેવાની અને કચ્છ,અરવલ્લી, પાટણ, બનાસકાઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. (file photo)