- આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે આપ્યું રાજીનામુ
- અસિત વોરાએ મુખ્યમંત્રીને આપ્યું રાજીનામુ
અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે વિવાદમાં ફસાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બોર્ડ-નિગમના ચેરમેન પદેથી આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. આ પર્દાફાશ થયા બાદ સરકાર દોડતી થઈ ગઈ હતી. તેમજ અસિત વોરા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી દૂર કરવાની માંગણી ઉઠી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને સરકારે પણ તપાસના આદેશ કર્યાં હતા. પેપર લીક પ્રકરણમાં પોલીસે અનેક આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જો કે, સમગ્ર પ્રકરણમાં અસિત વોરાની સંડોવણી ખુલી નહી હોવાના દાવા કરવામાં આવ્યાં હતા. દરમિયાન આજે અસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી મુખ્યમંત્રીને રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા બોર્ડ-નિગમના ચેરમેનની પસંદગી કરવામાં આવશે.