અમદાવાદઃ ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કેવી રીતે અને કઈ પધ્ધતિથી નક્કી થાય છે સહિત તમામ ખાનગી શાળાઓના આવક-જાવકના હિસાબો સત્તાવાર વેબસાઈટ પર પારદર્શક રીતે જાહેર કરવી જોઈએ. તેમજ તમામ શાળામાં કાર્યરત શિક્ષકો – કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત, પગારની સ્લીપ, કેટલા સમયથી કાર્યરત, પી.એફ.ની વિગતો સહિતની બાબતો પણ સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવી જાઈ. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવેલી સ્વનિર્ભર (ખાનગી) શાળાઓની ફી અંગે વિદ્યાર્થી-વાલીઓ, સામાજિક સંગઠનો અને કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ 2017માં રાજ્યવ્યાપી લડત આપવામાં આવી હતી. અંતે, રાજ્ય સરકારે તા. 20/04/2017ના જાહેરનામાથી ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમન, 2017 તેના નિયમો અમલ પછી જે ફીનું માળખું નિર્ધારીત થયુ તેની સામે વ્યાપક ફરિયાદો ઊઠી હતી. જે તે સમયે જાહેર થયેલ ફીના ધોરણો ઘણા વધુ હતા. આડેધડ વસૂલાતી ફી અંગે રાજ્યની અનેક શાળાઓ સામે વિદ્યાર્થી-વાલીઓ ફરિયાદો કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. પણ, શિક્ષણ વિભાગ વ્યાજબી ફરિયાદો અંગે ગંભીરતાથી જે કક્ષાએ કડક પગલા ભરાવા જોઈએ તે લેવાતા નથી તે હકીકત છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યની તમામ શાળામાં કાર્યરત શિક્ષકો – કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત, પગારની સ્લીપ, કેટલા સમયથી કાર્યરત, પી.એફ.ની વિગતો સહિતની બાબતો સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા જોઈએ. છેલ્લા પાંચ વર્ષના એટલે કે વર્ષ 2018થી નક્કી થયેલી ફી ના આધારે છેલ્લા પાંચ વર્ષના આવકના હિસાબો જે તે શાળાએ પ્રસિધ્ધ કરવા જોઈએ. જે તે શાળાએ ફી નિર્ધારણ સમિતિને રજુ કરેલા હિસાબો, પ્રસ્થાપિત ફી ના ધોરણો, મંજૂર થયેલી ફીના આદેશ તમામ સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા, ફી નિર્ધારણ સમિતિએ નવી ફી નિર્ધારણ કરતા પહેલા સ્વનિર્ભર શાળાઓના આવક-જાવક અંગે, ફી વસૂલાત અંગેની ફરિયાદો, જે તે શાળામાં કાર્યરત શિક્ષકો, લેબોરેટરી અંગેની સુવિધા અંગે ચકાસણી કરીને તમામ બાબતો વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા જોઈએ, જેથી વિદ્યાર્થી-વાલીઓને ન્યાય મળે.
તેમણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં અને શિક્ષણના બેફામ વ્યાપારીકરણને રોકવા માટે માંગ કરતા જણાવ્યું હતુ કે, ખાનગી શાળાઓ ફી નિર્ધારણ અગાઉ માસિક રૂ. 300થી 500 એટલે કે વાર્ષિક રૂ. 4000 /- થી રૂ. 6000 /- વસૂલતી હતી તે શાળાઓ ફી નિર્ધારણ પછી રૂ. 12000 /- થી રૂ. 15000 /- વસૂલાતના લાયસન્સ જે તે સંચાલકોને મળી ગયા. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ શુ કરવા માંગે છે ? અનેક ખાનગી શાળાઓના રમતના મેદાન નથી, તો પછી રમતગમત સહિતની એક્ટીવીટીના નામે અનેક શાળાઓ ફી વસૂલી રહ્યા છે તે ચકાસણી કરવામાં આવે. જે ખાનગી શાળાઓ કોર્મશિયલ કોમ્પલેક્ષમાં ચાલતી હોય તે સામે તાત્કાલીક ફી નિર્ધારણ પહેલા ચકાસણી થવી જોઈએ. રાજ્યની અનેક ખાનગી શાળાઓ કાર્યરત શિક્ષકો અને કર્મચારીઓને પૂરતો પગાર પણ ચૂકવતી નથી. જે અંગે ફી નિર્ધારણ પહેલા ચકાસણી થવી જોઈએ. રાજ્યની ખાનગી શાળાઓની ફી નિર્ધારણ / નિયમન સમિતિની વેબસાઈટ ઘણા સમય કાર્યરત જોવા મળતી નથી. તે અંગે ચોકસાઈ કરીને તમામ ઝોનની વેબસાઈટ કાર્યરત રહે તેવું માળખું ગોઠવવવું જોઈએ. તેમજ RTE અન્વયે છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળાએ આપેલા પ્રવેશની દરેક શાળાની માહિતી પ્રસિધ્ધ કરવાની માગ કરવામાં આવી છે.