નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ રામ મંદિરના ઉદ્દઘાટનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય કાર્યક્રમ જણાવ્યો હતો. આ મામલે રાજકારણ ગરમાયું છે અને ભાજપા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધીને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા.
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ ભગવાન રામજીના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. દરમિયાન સીએમ હિમંતા બિસ્વાએ જણાવ્યું હતું કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કોંગ્રેસે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. જો કોંગ્રેસ રાહુલ ગાંધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિતમાં રહે તો કોઈ રાજકીય લાભ મળવાની શકયતા નથી. તેથી સમગ્ર કાર્યક્રમને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગાંધી પરિવાર ઉપર આકરા પ્રહાર કરતા હિંમતા બિસ્વાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાની એન્ટી હિન્દુ ધારણાને કારણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય રંગ આપી રહ્યાં છે. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ લોકો આપે અને રામલલાના દર્શન કરીને પરત ફરશે. તેમજ કોઈ પણ રાજકીય કે કોંગ્રેસ વિરોધી કોઈ નિવેદન થશે નહીં. લોકો માટે સમગ્ર મહોત્સવ ભારતીય સંસ્કૃતિની જીત સમાન છે.
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ મહાનુભાવોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતા તથા વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.